દેવભૂમિના રસ્તાઓ 2024ના અંત સુધીમાં અમેરિકા જેવા થઈ જશેઃ કેન્દ્રીય પ્રધાનનો મોટો દાવો
દેહરાદૂન: દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. બે લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યું છે અને તેના રસ્તાઓ ૨૦૨૪ના અંત સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્સ જેવા જ હશે. ગડકરી ટનકપુરમાં રૂ. ૨૦૦૦ કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું.
ગડકરીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં હાલમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. ૧.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેમાં ટૂંક સમયમાં વધારાના રૂ. ૬૦ કરોડ ઉમેરવામાં આવશે જેથી તેનો કુલ ખર્ચ રૂ. ૨ લાખ કરોડ થશે.
તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની હાજરીમાં હું ઘોષણા કરવા માંગુ છું કે ૨૦૨૪ના અંત સુધીમાં, ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાશે. તે યુએસના જેવા હશે. ગડકરીએ કહ્યું કે ૨૦૧૪માં ઉત્તરાખંડમાં ૨૫૧૭ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા જે હવે વધીને ૩૬૦૮ કિમી થઈ ગયા છે.
દરમિયાન મુખ્ય પ્રધાન ધામીએ જણાવ્યું હતું કે મંગળવારે ટનકપુર ખાતે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે લાંબા સમયથી રાહ જોવાતી હતી અને તે શક્ય બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા બદલ ગડકરીનો આભાર માન્યો હતો.
ધામીએ કહ્યું હતું કે તેઓ હંમેશા ઉત્તરાખંડના વિકાસ માટે તમામ મદદ કરવા તૈયાર છે. અમે માંગીએ તે પહેલા જ અમને જે જોઈએ છે તે મળી જાય છે. આ પ્રોજેક્ટ્સ માનસખંડ ક્ષેત્રમાં મોટા પાયે કનેક્ટિવિટી મજબૂત કરશે.