
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર માસમાં ડોલર સામે સતત ગગડી રહેલા રૂપિયાને સ્થિર કરવા સ્પોટ અને વાયદા બજારમાં 12 અબજ ડોલર વેચ્યા હતા. આરબીઆઈની દરમિયાનગીરીનો હેતુ રૂપિયાના અવમુલ્યનને ઘટાડવાનો હતો. જેમાં ઓક્ટોબર માસમાં ડોલરની કુલ ખરીદી 17.7 અરબ ડોલર થઈ હતી. જે સપ્ટેમ્બરમાં 2.2 ડોલર હતી. જયારે ડોલરનું કુલ વેચાણ 11.9 અરબ ડોલર રહ્યું હતું. જે સપ્ટેમ્બર માસમાં 7.9 અરબ ડોલર હતું. જે દર્શાવે છે કે આરબીઆઈએ રૂપિયાને ગગડતો રોકવા માટે ભારે દરમિયાનગીરી કરી હતી.
આરબીઆઈએ સ્પોટ અને વાયદા બજારમાં દરમિયાનગીરી કરી
આરબીઆઈએ સ્પોટ માર્કેટમાં દરમિયાન ઉપરાંત ફોરવર્ડ કોન્ટ્રાક્ટનો પણ ઉપયોગ કર્યો. જેનાથી વિદેશી હૂંડિયામણ અનામતનો તાત્કાલિક ઉપયોગ અટકી ગયો હતો. તેમજ ઓક્ટોબરના અંત સુધીમાં ફોરવર્ડ વેચાણ સપ્ટેમ્બરના અંતમાં 59.4 બિલિયન ડોલરથી વધીને 63.6 ડોલર બિલિયન થયું હતું. આરબીઆઈના બુલેટિન મુજબ રૂપિયાને ડોલર વિરુદ્ધ 89ના સ્તર સુધી ઘટતો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
રૂપિયો 89.45 અને 89.72 ની વચ્ચે ટ્રેડ થયો
ઉલ્લેખનીય છે કે, સોમવારે રૂપિયો ડોલર વિરુદ્ધ નબળો પડ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી રૂપિયો મજબૂત થઈ રહ્યો હતો. જેમાં સ્થાનિક કંપનીઓ તરફથી ડોલર ખરીદીની માંગ અને નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સના બજારમાં દબાણને કારણે રૂપિયામાં ઘટાડો થયો. આ પરિબળોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીથી રૂપિયાને મળેલી મજબૂતાઈને સરભર કરી. શુક્રવારે રૂપિયો 89.27 પર બંધ થયો હતો પરંતુ સોમવારે 0.4 ટકા ઘટીને 89.65 પર બંધ થયો. તેમજ દિવસ દરમિયાન રૂપિયો 89.45 અને 89.72 ની વચ્ચે ટ્રેડ થયો.
વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન
વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન પણ રૂપિયાની મજબૂતાઈમાં એક મહત્વપૂર્ણ પરિબળ હતું. લાંબા સમયથી વેચાણકર્તા રહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી એકવાર ભારતીય શેરબજારમાં ખરીદી કરી છે. જેને અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. બજાર વિશ્લેષકો માને છે કે આરબીઆઈની દરમિયાનગીરીના લીધે ભવિષ્યમાં રૂપિયામાં થોડી અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે.



