અમેરિકાથી આવેલા ડિપોર્ટીઓના માથે પાઘડી નહોતી; પંજાબના કેબિનેટ પ્રધાનનો દાવો

અમૃતસર: અમેરિકાથી ભારત મોકલવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કથિત ખરાબ વ્યવહારનો મુદ્દો સતત ચર્ચાના કેન્દ્રમાં (mistreatment with illegal immigrants) છે, ગઈ કાલે 116 ભારતીયોને યુએસ સેનાનું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. દરમિયાન, પંજાબના એક કેબિનેટ પ્રધાને દાવો કર્યો હતો કે વિમાનમાં સવાર કેટલાક યુવાનો પાસે પાઘડી નહોતી અને પંજાબ વહીવટીતંત્રે એરપોર્ટ પર છેલ્લી ઘડીની વ્યવસ્થા કરવી પડી હતી.
પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું, “પહેલી ફ્લાઇટમાં કેટલાક યુવાનો પાસે પાઘડી નહોતી. અમે પહેલી ફ્લાઇટ પછી આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને અમે તેને ફરીથી ઉઠાવીશું. પરંતુ દુઃખની વાત છે કે કંઈ બદલાયું નથી. ત્રીજી ફ્લાઇટમાં પણ પરિસ્થિતિ એવી જ હશે. યુવાનોના હાથમાં બેડીઓ હશે અને માથે પાઘડી નહીં હોય. અમે એરપોર્ટ પર નાની કેમ્પ ઓફિસ બનાવી છે, જ્યાં મહાનુભાવોના સન્માન માટે સિરોપા રાખીએ છીએ. અમે અમારા સ્ટોકમાંથી 15 સિરોપા ડિપોર્ટીઓને આપ્યા.”
આ પણ વાંચો: ભારત પર અમેરિકાએ વિંઝ્યો કોરડો, રદ કરી 22 મિલિયન ડૉલરની ફંડિંગ
યુવાને આપવીતી જણાવી:
ડોન્કી રૂટ દ્વારા અમેરિકા ગયેલા અને ત્યાં પકડાઈ ગયેલા યશપાલ સિંહે ભારત પાછા ફર્યા બાદ કહ્યું, “જ્યારે અમે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે અમે પાઘડી પહેરી ન હતી. તેમને ટેક ઓફ પહેલા અમારી પાઘડીઓ ઉતારી દીધી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ અમને સિરોપા આપ્યા, પરંતુ તે પૂરતા લાંબા ન હતાં કારણ કે તેનો ઉપયોગ કોઈના સન્માન માટે થાય છે અને માથા પર બાંધવા માટે નહીં. તેથી મેં માથું ઢાંકવા માટે ટોપી ઉધાર લીધી હતી.”
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ફ્લાઇટ અમૃતસર ઉતરી ત્યારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પરિવારના ઘણા સભ્યો પણ એરપોર્ટ પર હાજર હતા. સીએમ ભગવંત માન પોતે ત્યાં લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા, પરંતુ ફ્લાઈટ મોડી પડતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.