નેશનલ

મોમોઝનો એવો તે કેવો મોહ? 14 વર્ષના કિશોરનું પરાક્રમ સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો!

આજના સમયમાં બાળકોમાં ફાસ્ટ ફૂડનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેના માટે તેઓ કોઈપણ હદ વટાવી શકે છે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 14 વર્ષના એક કિશોરને મોમોઝ ખાવાની એવી લત લાગી કે તેણે ઘરની તિજોરી જ સાફ કરી નાખી. માત્ર થોડી પ્લેટ મોમોઝ ખાવા માટે આ બાળકે પોતાના જ ઘરના લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના એક લારીવાળાને પધરાવી દીધા હતા.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકની ફોઈ પોતાના પિયર આવી હતી. જ્યારે તેણે પોતાના દાગીના લેવા માટે કબાટ ખોલ્યો તો અંદરથી કિંમતી ઘરેણાં ગાયબ હતા. લાખોની મત્તા ચોરાઈ હોવાનું જાણીને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની આશંકા સાથે જ્યારે પરિવારના સભ્યોએ કડકાઈથી પૂછપરછ શરૂ કરી, ત્યારે 14 વર્ષના કિશોરે જે સત્ય જણાવ્યું તે સાંભળીને સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પૂછપરછ દરમિયાન કિશોરે કબૂલાત કરી કે તેને રામપુર કસબામાં લારી લગાવતા એક મોમોઝ વેચનારની ચટણી અને મોમોઝ એટલા ભાવતા હતા કે તે તેની લત છોડી શકતો નહોતો. મોમોઝના બદલે તેની પાસે પૈસા ન હોવાથી તેણે ધીમે ધીમે કબાટમાંથી ઘરેણાં ચોરવાનું શરૂ કર્યું હતું. લારીવાળાએ પણ બાળકની માસૂમિયતનો ફાયદો ઉઠાવ્યો અને તેને મોમોઝ ખવડાવી બદલામાં લાખોના દાગીના લેતો રહ્યો. બાળકને એ વાતનો અંદાજ પણ નહોતો કે તે નજીવી કિંમતના નાસ્તા માટે પરિવારને લાખોનું નુકસાન કરી રહ્યો છે.

આ મામલે બાળકના પિતાએ રામપુર કારખાના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ હાલમાં તે મોમોઝ વિક્રેતાની શોધખોળ કરી રહી છે જેણે બાળકને લાલચ આપીને દાગીના પડાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી ટૂંક સમયમાં પકડાઈ જશે અને ચોરાયેલા ઘરેણાં રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button