દિલ્હીનું નામ બદલીને ‘ઇન્દ્રપ્રસ્થ’ કરવાની માંગ! ભાજપના સાંસદે કેન્દ્રીય ગૃહ પ્રધાનને લખ્યો પત્ર

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઘણા સ્થળના નામ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘણા નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીનું નામ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજધાની દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરી દેવામાં આવે તેવી માંગ ભાજપના જ સાંસદે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કરી છે.
મળતી વિગતો અનુસાર, દિલ્હીના ચાંદની ચોકથી ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી છે. તેમણે લખેલા પત્રમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના આધારે તેમણે આ પ્રસ્તાવ રાખ્યો છે અને મહાભારત કાળની સાથે પાંડવો સાથે સંકળાયેલા પ્રમાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રવીણ ખંડેલવાલે પત્રમાં જણાવ્યું હતું કે દિલ્હીનું વર્તમાન નામ, “દિલ્હી”, મુઘલ કાળનું છે, જ્યારે તેનું પ્રાચીન નામ, “ઇન્દ્રપ્રસ્થ”, પાંડવો દ્વારા સ્થાપિત રાજધાની તરીકે ઓળખાય છે. તેમણે ચાર સૂચનો આપ્યા છે. જેમાં દિલ્હીનું નામ બદલીને “ઇન્દ્રપ્રસ્થ” કરવું જોઈએ, જૂની દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને “ઇન્દ્રપ્રસ્થ જંક્શન” કરવું જોઈએ, દિલ્હીમાં હાલના એરપોર્ટનું નામ બદલીને “ઇન્દ્રપ્રસ્થ એરપોર્ટ” કરવું જોઈએ અને દિલ્હીના અગ્રણી સ્થળોએ પાંડવોની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ.
મહાભારતના વારસા સાથે જોડાણ માટે હાકલ કરતા, ખંડેલવાલે પત્રમાં જણાવ્યું હતું કે પુરાતત્ ીય પુરાવાઓ દ્વારા સાબિત થયેલ ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. તેમણે શહેરના 5,000 વર્ષ જૂના હિન્દુ સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે મુઘલ-પ્રભાવિત નામોને દૂર કરવાની હિમાયત કરી હતી. જો કે આ માંગ કોઈ નવી નથી, આ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદે પણ સરકારને આવો જ પત્ર લખીને ઇન્દિરા ગાંધી એરપોર્ટનું નામ બદલવાની માંગ કરવામાં આવી હતી.



