મુર્શિદાબાદ હિંસાઃ અમિત માલવિયાએ પ. બંગાળના સીએમના રાજીનામાની માંગ કરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત માલવિયાએ રવિવારે ટીએમસીના સુપ્રીમો પર ભાજપ અને આરએસએસ પર રાજ્યમાં ‘દૂર્ભાવનાપૂર્ણ ખોટા અભિયાન’ શરૂ કરવાનો આરોપ લગાવવા બદલ આકરા પ્રહારો કર્યા હતા.
માલવિયાએ એક્સ પર એક પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દાવો કરતાં રહ્યા કે મુર્શિદાબાદ હિંસા બહારના તત્વો દ્વારા ઘડવામાં આવી હતી, પરંતુ ૧૧-૧૨ એપ્રિલના રોજ જિલ્લાના કેટલાક ભાગોમાં થયેલા રમખાણો વિશે રાજ્ય પોલીસ દળનું વલણ તેમના દાવાઓથી વિપરીત હતું.
આપણ વાંચો: મુર્શિદાબાદ હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, તપાસ કરવા માટે કરી અપીલ…
શનિવારે રાત્રે સાર્વજનિક કરાયેલા એક ખુલ્લા પત્રમાં મુખ્ય પ્રધાને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે આ દળો(ભાજપ અને આરએસએસ) ઉશ્કેરણીને કારણે બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની પૃષ્ઠભૂમિનો ઉપયોગ વિભાજનકારી રાજકારણ રમવા માટે કરી રહ્યા છે.
બેનર્જીના દાવાને સખત શબ્દોમાં વખોડી કાઢતા પશ્ચિમ બંગાળના ભાજપના સહ-પ્રભારી માલવિયાએ એક્સ પર જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે તેમના સત્તાવાર લેટરહેડનો ઉપયોગ કરીને મમતા બેનર્જી- જેમની પાસેથી નિષ્પક્ષ રીતે તમામ નાગરિકોની સેવા કરવાની અપેક્ષા રાખવામાં આવે છે- તેમના વહીવટની નિષ્ફળતાઓ માટે મુખ્ય વિપક્ષી પક્ષ અને એક બિન-રાજકીય સંગઠનને દોષી ઠેરવી રહ્યા છે.
આપણ વાંચો: ‘વિપક્ષ નથી ઈચ્છતું કે દલિતો અને વંચિતોને જમીન મળે…’ મુર્શિદાબાદ હિંસા અંગે સીએમ યોગીના પ્રહાર
ભાજપના નેતાએ પૂછ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસને રેલીઓ વિશે અગાઉથી જાણ હતી. તો પછી તેમને પહેલા જ કેમ રોકવામાં ન આવ્યા? શું ભીડ, હથિયારો અને પથ્થરો અચાનકથી આવી ગયા? તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વારંવાર જનતાને ગેરમાર્ગે દોરી છે. જવાબદારી ઘણા સમય પહેલા નક્કી થઇ ગઇ છે- મમતા બેનર્જીએ પદ છોડી દેવું જોઇએ.