RSSની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના વર્ષે આ રાજ્યમાં ઉઠી પ્રતિબંધની માંગ | મુંબઈ સમાચાર
નેશનલ

RSSની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના વર્ષે આ રાજ્યમાં ઉઠી પ્રતિબંધની માંગ

બેંગલુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે જ કેન્દ્ર સરકારે તેના સન્માનમાં એક ટપાલ ટિકિટ અને સિક્કો જારી કર્યો છે. ત્યારે કર્ણાટકમાં તેની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના દીકરા અને કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયાંક ખડગેએ કર્ણાટકના મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ માંગ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે સંઘ બાળકો અને યુવાનોએ ઉશ્કેરે છે જેથી દેશની એકતા અને અખંડતા પર ખતરો પેદા થાય.

ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો
હવે આ પત્રના આધારે સિદ્ધારમૈયાએ રાજ્યના મુખ્ય સચિવને આ મામલાને સમજવા અને તેની જાણકારી લેવા માટે સૂચના આપી છે. પ્રિયાંક ખડગે સિદ્ધારમૈયા સરકારમાં આઈટી પ્રધાનની જવાબદારી સાંભળી રહ્યા છે. પ્રિયાંક ખડગેના આ પત્ર પર ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. ભાજપનું કહેવું છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે નવા મુદ્દાઓ ઊભા કરવા માંગે છે. તે ઉપરાંત સીએમ પદ માટેના કકળાટને પણ આનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.

RSSના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધની માંગ
પ્રિયાંક ખડગેએ પોતાના પત્રમાં RSS પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેમાં શાખાઓ અને સભાઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેમણે જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારી શાળાઓ, સહાયિત શાળાઓ અને રમતના મેદાનોમાં શાખાઓને મંજૂરી આપવી જોઈએ નહીં. વધુમાં, સરકારી માલિકીના મંદિરોનો ઉપયોગ પણ પ્રતિબંધિત થવો જોઈએ. પ્રિયાંકે કહ્યું હતું કે RSS તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવી રહ્યું છે.

RSS હંમેશા દેશનું રક્ષણ કરવા તૈયાર
ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી RSSની વધતી જતી લોકપ્રિયતાને પચાવી શકતી નથી અને અસહિષ્ણુ બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં એવી કોઈ ઘટના બની નથી કે જ્યાં RSS સભ્યોએ કોઈ પણ પ્રકારની અનુશાસનહીનતા દર્શાવી હોય. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી RSSનો વિરોધ કરી રહી છે, પરંતુ RSSની પોતાની ભૂમિકા છે અને તે હંમેશા દેશનું રક્ષણ કરવા માટે તૈયાર રહી છે.

આપણ વાંચો:  મધ્યપ્રદેશ ઝેરી કફ સિરપ કેસમાં EDની એન્ટ્રી; શ્રીસન ફાર્માના પરિસરમાં દરોડા પડ્યા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button