દિલ્હીની મહિલાઓ પણ બની સરકારની લાડલી, દર મહિને કેજરીવાલ સરકાર આપશે 1000 રૂપિયા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક પક્ષો મતદાતાઓને રિઝવવા માટે નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે. આ ક્રમમાં નવી દિલ્હીની કેજરીવાલ સરકાર પણ પાછળ નથી. તેમણે પણ મહિલાઓ માટે લાડલી યોજનાની જાહેરાત કરી છે.
દિલ્હીના નાણા પ્રધાન આતિશી માર્લેનાએ સોમવારે વિધાનસભામાં પોતાનું 10મું બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાન આતિશીએ દિલ્હી માટે 76000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે તેમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી દિલ્હીની મહિલાઓ માટે ‘મુખ્ય પ્રધાન મહિલા સન્માન’ યોજના પણ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આમ આદમી પાર્ટી (AAP) સરકાર 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. આતિશીએ કહ્યું હતું કે AAP સરકારે આ યોજના માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રકમ મુખ્ય પ્રધાન મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવશે. નાણા પ્રધાનની આ જાહેરાત બાદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ વિધાન સભ્યોએ ‘અરવિંદ કેજરીવાલ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
નાણાકીય વર્ષ 2024-2025નું બજેટ રજૂ કરતા આતિશીએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે 2013માં રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તે સમયે નેતાઓ આવતા-જતા રહેતા હતા. સરકારો આવતી અને જતી રહેતી હતી, પરંતુ લોકોના જીવનમાં સુધારો થયો નહોતો. ગૃહિણીઓના પૈસા મહિનાની 25મી તારીખ સુધીમાં ખલાસ થઈ જતા હતા અને ઘર ચલાવવા માટે તેમના તેમના ઘરેણાં ગીરવે રાખવા પડતા હતા. જેના કારણે સામાન્ય માણસનો મતદાનમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલ આશાનું કિરણ બનીને આવ્યા અને તેમણે ઈમાનદારી અને સત્યનો ભરોસો આપીને જંગી બહુમતી સાથે સરકાર બનાવી. તેમણે કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર 1.55 ટકા છે, પરંતુ દેશના જીડીપીમાં દિલ્હીનું યોગદાન બમણા કરતા પણ વધુ છે. 2023-2024માં દેશના સરેરાશ જીડીપીમાં દિલ્હીનું યોગદાન 3.89 ટકા રહેવાનું છે.
નોંધનીય છે કે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યની મહિલાઓ માટે લાડલી બહેના યોજના શરૂ કરી હતી, જેમાં તેમણે રાજ્યની તમામ મહિલાઓને પહેલા 1000 રૂપિયા પછી 1,250 રૂપિયા અને પછી 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ યોજના પાંચ માર્ચ, 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ શિવરાજ સિંહ ચૌહાણે દરેક મહિલાઓના ખાતામાં એક-એક હજાર રૂપિયા મોકલવાનું શરૂ કર્યું હતું. કંઇક એ જ તર્જ પર દિલ્હીની AAP સરકાર ‘મુખ્ય પ્રધાન મહિલા સન્માન’ યોજના લઇને આવી છે.