દેશની સૌથી ધીમી Vande Bharat Express કઈ છે, પ્રવાસીઓ કેમ પસંદ નથી કરતા?
આ Vande Bharat ટ્રેન 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડાવાય છે...

પટના: વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પહેલી સેમી-હાઇ-સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ની ભેટ આપી હતી. આ ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ દેશના અનેક રાજયોને ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનની ભેટ આપવામાં આવી, જેમાં બિહારના પછાત ગણાતા સીમાંચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. જોકે, આ પ્રદેશમાં દોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
બિહારમાં દોડે છે સૌથી ધીમી વંદે ભારત એક્સપ્રેસ
બિહારના પછાત ગણાતા સીમાંચલ પ્રદેશમાં જોગબનીથી દાનાપુર સુધીના 452 કિલોમીટરના અંતરમાં ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન દોડે છે. આ 452 કિલોમીટરનું અંતર કાપવામાં આ ટ્રેન 8 કલાક અને 10 મિનિટ લે છે, જે તેની સરેરાશ ગતિ 55.8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી બનાવે છે.
જેથી તે દેશની સૌથી ધીમી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન ગણાઈ રહી છે. આ સિવાય ઓછા ઓક્યુપન્સી લેવલ સાથે આ ટ્રેન સામાન્ય રીતે ખાલી દોડે છે. સ્થાનિકો અને રોજની મુસાફરી કરતા લોકો માને છે કે, ‘વંદે ભારત એક્સપ્રેસ’ કરતાં ‘સીમાંચલ એક્સપ્રેસ’માં મુસાફરી કરવી ફાયદાકારક છે.
વંદે ભારત અને સીમાંચલ એક્સપ્રેસ વચ્ચેનો તફાવત
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનું માનવું છે કે 12488 સીમાંચલ એક્સપ્રેસ દાનાપુરથી જોગબની જવા માટે વધુ સારો વિકલ્પ છે. આ ટ્રેન 8 કલાક અને 50 મિનિટમાં પહોંચે છે, જે વંદે ભારત કરતાં માત્ર 40 મિનિટનો વધારે સમય છે.
જોકે, ભાડાંમાં મોટો તફાવત છે. વંદે ભારતનું સૌથી ઓછું ભાડું રૂ.1,310 છે, જ્યારે સીમાંચલ એક્સપ્રેસનું સ્લીપર ક્લાસનું ભાડું ફક્ત રૂ. 300 છે.
ટ્રેનનો સમય મુસાફરો માટે અસુવિધાજનક
જોગબની વંદે ભારત એક્સપ્રેસનો સમય અસુવિધાજનક હોવાને કારણે પણ તેમાં મુસાફરોની સંખ્યા ઓછી રહે છે. જોગબનીથી દાનાપુર જતી ટ્રેનનો પ્રસ્થાન સમય સવારે 3:25 વાગ્યાનો છે, જ્યારે દાનાપુરથી જોગબની પહોંચવાનો સમય રાત્રે 1:20 વાગ્યાનો છે.
સ્થાનિકોનું કહેવું છે કે સીમાંચલ ક્ષેત્રમાં મોડી રાત્રે રેલવે સ્ટેશને પહોંચવું કે ત્યાંથી નીકળવું સુરક્ષિત નથી. રેલવે સૂત્રો અનુસાર, આ ટ્રેનનું ઓક્યુપન્સી લેવલ ઘણું ખરાબ છે, અને મોટાભાગની સીટો ખાલી રહે છે.
દેશની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ
રેલવે વિભાગના અહેવાલ અનુસાર, દેશની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે દોડે છે, જે સરેરાશ 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તે પછી રાણી કમલાપતિ (હબીબગંજ) અને હઝરત નિઝામુદ્દીન વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ આવે છે, જે સરેરાશ 94 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
આ પણ વાંચો…Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?