નેશનલ

દિલ્હીના તુર્કમાન ગેટ પર બુલડોઝર કાર્યવાહી વખતે પથ્થરમારો: એફઆઈઆરમાં મોટા ખુલાસા

ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે દબાણ હટાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, 5 આરોપીઓની ઓળખ થઈ

નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના અતિક્રમણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. આ મામલે થયેલી એફઆઈઆરમાં એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચાંદની મહલ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ સંદીપના નિવેદનના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો તેના વિશે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

35 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

કૉન્સ્ટેબલ સંદીપના નિવેદન પ્રમાણે તેઓ મોટી મસ્જિદ તુર્કમાનના ગેટ પર ફરજ પર હાજર હતાં. અહીં કોર્ટના આદેશ પ્રમાણે ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળાને હટાવવાનું હતું. આ કાર્યવાહી થાય તે પહેલા જ લોકોને જાણ કરવામાં આવી હતી. એફઆઈઆર પ્રમાણે રાત્રે 12 વાગ્યાની આસપાસ એસએચઓ તમામ સ્ટાફ બેરિકેડ પાસે તૈનાત હતો. આ દરમિયાન 30થી 35 લોકોનું ટોળું આવ્યું અને નારેબાજી શરૂ કરી દીધી હતી. આ લોકોએ પોલીસ અને વહીવટીતંત્રના વિરૂદ્ધમાં નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

5 આરોપીની પોલીસ કૉન્સ્ટેબલ સંદીપે ઓળખ કરી

આ દરમિયાન શાહનવાઝ, મોહમ્મદ અરીબ, મોહમ્મદ કાસિમ, મોહમ્મદ અદનાન અને મોહમ્મદ કૈફને કોન્સ્ટેબલ સંદીપ જાણે છે તેવો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જ્યારે આ લોકોનું ટોળું નારા લગાવીને વિરોધ કરી રહ્યું હતું ત્યારે એસએચઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અત્યારે આ વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ કરવામાં આવેલી છે. જેથી લોકોને જગ્યા ખાલી કરવા માટે કહેવાનું આવ્યું પરંતુ લોકો ત્યાં જ હાજર રહ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ લોકોએ સૂત્રોચ્ચાર સાથે બેરિકેટ તોડી દીધા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ કૉન્સ્ટેબલ સંદીપ પાસેથી હેલર છીનવીને તોડી નાખ્યું હતું.

આરોપીઓની દિલ્હી પોલીસ દ્વારા ક્યારે ધરપકડ કરાશે?

મહત્વની વાત એ છે કે, જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેમાંથી મોહમ્મદ શાહનવાઝ, મોહમ્મદ અરીબ, કાશિફ, મોહમ્મદ અદનાન, કૈફને કૉન્સ્ટેબલ સંદીપ જાણે છે તેવો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પોલીસ દ્વારા આ આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

આ સાથે ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં હેડ કૉન્સ્ટેબલ જય સિંહ, કૉન્સ્ટેબલ વિક્રમ, રવિન્દ્ર અને એસએચઓને ઇજાઓ પહોંચી છે. પોલીસે પહેલા કાર્યવાહી કરીને પથ્થરમારો કરતા લોકોને ભગાડ્યા અને પછી ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button