નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને નોઈડા સહિત NCRની લગભગ 100 સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Delhi-NCR School Bomb threat)મળતા ગભરાટ ફેલાયો હતો. સવારે 4 વાગ્યે શાળાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. તમામ શાળા ખાલી કરવામાં આવી છે, વાલીઓ તેમના બાળકોને લેવા માટે શાળાએ પહોંચી રહ્યા છે જેને કારણે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા છે. પોલીસ અને ફાયર વિભાગની તપાસ બાદ આ ધમકી પોકળ હોવાનું સાબિત થયું હતું.
રાષ્ટ્રીય રાજધાનીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જણાવ્યું હતું કે પોલીસે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ની લગભગ 100 સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલના સોર્સને ટ્રેસ કરી લીધો છે. આ હોબાળા વચ્ચે તેમેણે ઉત્તર દિલ્હીના મોડલ ટાઉનની DAV સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે “દિલ્હી પોલીસે ઈમેલના સોર્સને શોધી કાઢ્યો છે. હું દિલ્હીના નાગરિકોને ખાતરી આપું છું કે પોલીસ સતર્ક છે, લીડ મેળવી રહી છે અને કડક પગલાં લેશે.”
વીકે સક્સેનાએ કહ્યું કે “… હું વાલીઓને વિનંતી કરું છું કે ગભરાશો નહીં, અને શાળાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રને સહકાર આપો. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું, “તે એક યોગાનુયોગ છે કે ગઈકાલે ભાજપના પ્રવક્તાએ ટ્વિટ કર્યું, ‘અનિચ્છનીય વસ્તુઓને સ્પર્શ કરશો નહીં. તેમાં બોમ્બ હોઈ શકે છે. ટીવી પર આવી જાહેરાતો જોવા માટે કોંગ્રેસને મત આપો.’ જ્યારે આ શાળાઓને ફેક ઇમેઇલ્સ મળ્યા, આ એક વિચિત્ર સંયોગ છે અને તેની તપાસ થવી જોઈએ.”
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી છે, જોકે કોઈપણ શાળામાંથી કશું શંકાસ્પદ કંઈ મળ્યું નથી. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમે તમામ શાળાઓની તપાસ કરી છે અને કંઈ મળ્યું નથી; ગભરાવાની જરૂર નથી.”
દિલ્હીની કેટલીક શાળાઓને ધમકીભર્યા મેલ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. એવું લાગે છે કે આ ફેક કોલ છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.”
દિલ્હી ફાયર સર્વિસીસના ડિરેક્ટરએ કહ્યું કે, “અમને શાળાઓમાં બોમ્બની ધમકી વિશે લગભગ 60 કોલ મળ્યા હતા. અમે તરત જ ફાયર ટેન્ડરો મોકલ્યા અને કેટલીક શાળાઓમાંથી ફાયર ટેન્ડરો પાછા ફરી રહ્યા છે, કારણ કે કંઈ શંકાસ્પદ મળ્યું નથી અને મને લાગે છે કે તમામ કૉલ્સ અફાવા સાબિત થશે….”
ઈ મેઈલ મળતા સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તમામ શાળાઓના કેમ્પસને ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. બોમ્બની ધમકી મળતા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ સવારે 4.15 વાગ્યાની તમામ શાળાઓમાં સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.