
નવી દિલ્હીઃ દિલ્હીની લગભગ 400 સ્કૂલમાં બોમ્બનો ખોટો કોલ (Delhi School Bomb Threat) કરવાને કારણે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. આ મુદ્દે સઘન કાર્યવાહી કરતા તાજેતરમાં દિલ્હી પોલીસે સગીરવયના બાળકની ધરપકડ કરી છે. જોકે, બાળકના મારફત કોઈ મેઈલ તો કરાવતું નથી એની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાળકનો પરિવાર પહેલા એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા (એનજીઓ)ના સંપર્કમા હતો અને આ જ સંસ્થા અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એકસાથે 250 સ્કૂલને મેઈલ કરનાર પણ આ જ બાળક હતું. આ કેસમાં બાળક દ્વારા જાણી જોઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ કરવાના ઉદ્દેશને લઈ તેનો ઉપયોગ તો કરવામાં આવ્યો નથી એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
સગીરવયનો બાળક ટેક્નોલોજીનો જાણકાર
પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ષડયંત્ર તો નથી તેમ જ એનજીઓની શું ભૂમિકા છે એની પણ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. બાળક જે રીતે ટેક્નિકલ શબ્દોનો ઉપયોગ કરે છે તેના પરથી લાગે છે કે તે શાતિર હોઈ શકે છે. એટલું જ નહીં, કોઈ ષડયંત્રનો ભાગ તો બન્યું નથી એની પણ તપાસ કરવામાં આવી છે.
એડવાન્સ ટેક્નિકથી મેઈલ મોકલવામાં આવ્યાં
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીપી મધુપ તિવારીએ કહ્યું કે સ્કૂલમાં નિરંતર 12મી ફેબ્રુઆરી 2024થી મોટી સંખ્યામાં મેઈલ મળી રહ્યા હતા. સ્કૂલમાંથી મળતા મેઈલને કારણે પરીક્ષાઓ પણ રદ કરવાની નોબત આવી હતી. આ મેઈલ પણ એડવાન્સ ટેક્નિકથી મોકલવામાં આવ્યા હતા, જેથી એના અંગે કોઈ આતંકવાદી કનેક્શન છે કે નહીં એની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીની સ્કૂલોને બૉમ્બ બ્લાસ્ટની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી: આ છે કારણ
એનજીઓના કનેક્શનની તપાસ હાથ ધરાઈ
આઠમી જાન્યુઆરી, 2025ના જે મેઈલ મળી હતી અને એ મેઈલના આધારે બાળકની ઓળખ કરવામાં આવી હતી. બાળકના લેપટોપને ફોરન્સિક તપાસથી જાણવા મળ્યું હતું કે આ જ સગીરવયના બાળકે 400થી વધુ મેઈલ મોકલ્યા હતા. આ અંગે સંસ્થાના કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, આ એનજીઓ પોલિટિકલ પાર્ટી માટે કામ કરે છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.