AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી રાહત, વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

નવી દિલ્હીઃ AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. કોર્ટે તેને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર ન થવા બદલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ સંબંધમાં, તેને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ પર રજૂ કરવામાં આવ્યો હતો. દિલ્હી વક્ફ બોર્ડમાં નિમણૂંકોમાં કથિત અનિયમિતતાઓ અને તેની મિલકતો ભાડે આપવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે હાજર ન થવા અને તપાસમાં જોડાવા માટે EDએ તાજેતરમાં તેની સામે ફરિયાદ દાખલ કરી હતી.
EDએ આ કેસમાં પૂછપરછ માટે અમાનતુલ્લા ખાનને 6 સમન્સ મોકલ્યા હતા. પરંતુ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર થયો ન હતો. તેણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલના તેના આદેશમાં ખાનને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ED સમન્સમાં હાજરી ન આપવા પર અમાનતુલ્લા ખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેના પગલે ઓખલાના વિધાન સભ્ય અમાનતુલ્લા ખાન એજન્સી સમક્ષ હાજર થયો હતો.
સુપ્રીમ કોર્ટે તેને 18 એપ્રિલે તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. 18 એપ્રિલે અમાનતુલ્લા ખાન ED સમક્ષ હાજર થયો હતો જ્યાં તેની 13 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.