દિલ્હી પ્રદૂષણ: કેન્દ્ર સરકારે કર્મચારીઓના ઓફિસ સમયમાં કર્યો ફેરફાર…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કર્મચારીઓ માટે અલગ અલગ સમયની જાહેરાત કરી છે. કેન્દ્રીય કાર્મિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કર્મચારીઓને પુલિંગ વાહનનો ઉપયોગ કરવા અને વાહન પ્રદૂષણને ઘટાડવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
આદેશ મુજબ, દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને દિલ્હી-એનસીઆરમાં સ્થિત ઓફિસોના સંબંધમાં અલગ અલગ સમય અપનાવવા સલાહ છે. આદેશમાં આગળ લખવામાં આવ્યું છે કે, ઓફિસો સવારે 9 થી સાંજના 5.30 અને સવારે 10 થી સાંજના 6.30 સુધી ખુલ્લી રહી શકશે.
દિલ્હી સરકાર પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે
આ પહેલા દિલ્હી સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે હવે સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે અને 50 ટકા ઓફિસમાં આવશે. રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હોવાથી સરકાર દ્વારા વસ્તુઓ પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગુરુગ્રામમાં પણ વર્ક ફ્રોમ હોમની સુવિધા
ગુરુગ્રામમાં પણ વધતા AQIને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે વર્ક ફ્રોમ હોમ માટે એક એડવાઈઝરી જારી કરી હતી. ડેપ્યુટી કમિશનર અજય કુમાર દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કોર્પોરેટ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને તેમના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે ડેપ્યુટી કમિશનરે આગામી આદેશ સુધી તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની શારીરિક હાજરી પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો : CBSE એ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા…
દિલ્હી-NCRમાં શાળાઓ બંધ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં પહોંચતા જ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ધોરણ 12 સુધીની શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તમામ વર્ગો ઓનલાઈન ચાલશે. આ ઉપરાંત, NCR જિલ્લા ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઈડામાં વહીવટીતંત્રે પણ ધોરણ 12 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોલેજોની વાત કરીએ તો, જામિયા મિલિયા ઈસ્લામિયા, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીએ પણ ઓનલાઈન ક્લાસ યોજવાનું નક્કી કર્યું હતું