
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ભાજપ પર આમ આદમી પાર્ટીના વિધાન સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, વિધાન સભ્યોને કહેવામાં આવ્યું કે ‘અમે થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરીશું. તે પછી અમે વિધાનસભ્યો તોડીશું. 21 વિધાન સભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાત ચાલુ છે. ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. 25 કરોડ રૂપિયા અપાશે અને ભાજપમાંથીની ટિકિટ પણ મળશે.”
કેજરીવાલે વધુમાં લખ્યું કે, ‘જો કે તેમનો દાવો છે કે તેમણે 21 વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેમણે અત્યાર સુધી માત્ર 7 વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ આ ઓફરને ફગાવી દીધી છે. આનો અર્થ કથિત લિકર પોલિસી કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરી શકતા નથી, એટલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ વિધાનસભ્યો પણ મજબૂત રીતે અમારી સાથે છે. આ વખતે પણ આ લોકોના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે.
તેમણે કહ્યું કે લોકો જાણે છે કે અમારી સરકારે દિલ્હીના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેમના (ભાજપ) દ્વારા ઉભા કરવામાં આવેલા તમામ અવરોધો છતાં, અમે ઘણું બધું સિદ્ધ કર્યું છે. દિલ્હીના લોકો AAPને ખૂબ પ્રેમ કરે છે. તેથી ચૂંટણીમાં AAPને હરાવવી તેમના હાથમાં નથી.