નેશનલ

મહિલા રેસલર્સની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી? વિનેશ ફોગાટના આરોપ પર દિલ્હી પોલીસનો જવાબ

નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Singh) સામે થયેલા અંદોલનમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. પેરીસ ઓલમ્પિકમાં ગેરલાયક ઠરવાને કારણે મેડલ ન જીતી શકવા છતાં વિનેશનું ભારતમાં ચેમ્પિયનની જેમ સ્વગત થયું હતું. પેરીસથી વતન ફર્યા બાદ વિનેશ ફરી કથિત યૌન શોષણ કેસની પીડિતાને ન્યાય અપાવવા સક્રીય થઇ ગઈ છે. વિનેશે દિલ્હી પોલીસ પર મહિલા કુસ્તીબાજોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે આ આરોપને નકારી કાઢ્યો છે.

WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કેસમાં સાક્ષી બનેલી ત્રણ મહિલા રેસલરે દિલ્હી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્રણેયએ ફરિયાદ કરી છે કે તેમની સુરક્ષા દૂર કરવામાં આવી છે. તેમાંથી એક 23 ઓગસ્ટે કોર્ટમાં જુબાની આપવાની હતી.

દિલ્હી કોર્ટના એડિશનલ મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે કેસની સુનાવણી કરતા કહ્યું કે, ‘ડીસીપીએ સુપ્રીમ કોર્ટની સામે સુરક્ષા વ્યવસ્થાને લઈને એફિડેવિટ દાખલ કરી હતી. સાક્ષીઓનું રક્ષણ કેમ હટાવવામાં આવ્યું તે અંગે તેમણે કેસની આગામી સુનાવણીમાં વિગતવાર કારણો આપવા પડશે.’

દિલ્હી પોલીસે વિનેશના આરોપોને નકારી કાઢ્યા છે, દિલ્હીના ડીસીપીએ X પર જ વિનેશને જવાબ આપ્યો હતો. દિલ્હીના ડીસીપીએ લખ્યું કે, ‘રેસલર્સને આપવામાં આવેલી સુરક્ષા હટાવવામાં આવી નથી, રેસલર્સ મોટાભાગનો સમય હરિયાણામાં જ રહેતા હોવાથી આ જવાબદારી લેવા હરિયાણા પોલીસને અપીલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના પીએસઓને આ અંગે ગેરસમજ થઇ હતી અને તેની જાણ કરવામાં વિલંબ થયો હતો. સુરક્ષા હવે ફરીથી લાગુ કરવામાં આવી છે.’
https://x.com/DCPNewDelhi/status/1826661455187620016

કોર્ટ વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોન દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેના માટે રેસલર્સ હાજર હતા, જેમણે દાવો કર્યો હતો કે બુધવારે રાત્રે તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. કોર્ટે પોલીસને અરજદારોની સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો અંગે શુક્રવાર સુધીમાં વિગતવાર અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button