નેશનલ

ક્રાઈમ પેટ્રોલઃ નેવીના પૂર્વ કર્મચારીનું આ ષડયંત્ર જ્યાર ખૂલ્યુ ત્યારે…


ટીવી પર આવતા શૉ ક્રાઈમ પેટ્રોલમાં ઘણીવાર એવા ષડયંત્રો બતાવવામાં આવતા કે તે સાચા હોવા છતાં આપણને વિચાર થતો કે માણસ આવું પણ કરી શકે. આવી જ કઈક લાગણી દિલ્હી પોલીસે અનુભવી હશે જ્યારે તેમણે નેવીના ભૂતપૂર્વ કર્મચારીને પકડ્યો હતો. જેમાં આરોપીએ પોતાની જાતને મૃત ગણાવી હતી અને પત્નીના નામે વીમાની રકમ ને પેન્શન પણ લઈ રહ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બાલેશ કુમારે 1 મેં 2004ના રોજ જાતે જ પોતાના ટ્રકમાં આગ લગાવી દીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી એકની ઓળખ બાલેશ કુમાર તરીકે થઈ હતી, જ્યારે અન્ય મૃતકની ઓળખ થઈ શકી ન હતી. ક્રાઈમબ્રાંચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજૂર હતા. તેઓ બિહારના રહેવાસી હતા અને તેમનાં નામ મનોજ અને મુકેશ હતા. બંને મજૂરોને પૈસા આપીને બાલેશ દિલ્હીના સમયપુર વિસ્તારથી સાથે લઇ ગયો હતો. દિલ્હી પોલીસે જોધપુરના ડાંડિયાવાર પોલીસ સ્ટેશનમાં બંને મજૂરોની હત્યાની જાણકારી આપી દીધી છે જેથી કેસને રિ-ઓપન કરી ફરી તપાસ શરુ કરી શકાય.
તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે પોતાને મૃત જાહેર કર્યા પછી બાલેશ કુમારે વીમો અને પેન્શન તેની પત્નીના નામે ટ્રાન્સફર કરાવ્યું હતું, તેણે જે ટ્રકમાં અકસ્માત દર્શાવ્યો હતો તે તેના ભાઈ મહિન્દર સિંહના નામે નોંધાયેલ હતો. આરોપીએ ટ્રકનો સંપૂર્ણ વીમો મેળવી તેને પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરાવી દીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે દારૂના નશામાં તેણે તેના ભાઈ સુંદરલાલ સાથે મળીને વર્ષ 2004માં સમયપુર બાદલીના ટ્રાન્સપોર્ટ નગરમાં રાજેશ નામના વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરી હતી. તે સમયે ત્રણેય દારૂ પીતા હતા. બાલેશને રાજેશની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધોને લઈને ઝઘડો થયો હતો. હત્યા બાદ તેણે રાજેશની લાશ બવાના વિસ્તારમાં ફેંકી દીધી હતી.
પોલીસે હત્યાના મામલામાં સુંદરલાલની ધરપકડ કરી હતી જયારે કોર્ટમાં બાલેશને મૃત બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી બાલેશે પોતાનું નામ બદલીને અમન સિંહ કરી લીધું અને આ જ નામથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનાવડાવી લીધા હતા. આ જ દસ્તાવેજોના આધારે તેણે બેંકમાં ખાતું પણ ખોલાવી લીધું હતું. બાલેશ કુમાર મૂળરૂપથી પાનીપતના નજીક એક ગામનો રહેવાસી છે. તેણે આઠમા ધોરણ સુધી શિક્ષા મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1981માં તે નેવીમાં ભર્તી થયો અને વર્ષ 1996માં નિવૃત્ત થયો હતો. નિવૃત્ત થયા બાદ તે વર્ષ 2000માં પરિવાર સાથે ઉત્તમનગરમાં રહેવા લાગ્યો હતો. હાલ આરોપી એક પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button