
નવી દિલ્હી : દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ કરી દીધી છે. જેમાં સમગ્ર વિસ્ફોટમાં આતંકનું આશ્રય સ્થાન રહેલી અલ ફલાહ યુનિવર્સીટીના સત્તાધીશો પર સકંજો કસવામાં આવી રહ્યો છે. જેમાં પોલીસે યુનિવર્સીટીના ચેરમેન વિરુદ્ધ બે સમન્સ ઇસ્યુ કર્યા છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે યુજીસીની ફરિયાદ પર અલ ફલાહ યુનિવર્સીટીના વિરુદ્ધ છેતરપીંડીના બે કેસ નોંધ્યા છે.
ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીનું નિવેદન જરૂરી
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓને લાગ્યું કે યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીનું નિવેદન સંસ્થાના કાર્યપ્રણાલી અને તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓની પ્રવૃત્તિઓ સંબંધિત અનેક વિસંગતતાઓ માટે જરૂરી છે. તેની બાદ સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
સમીક્ષા કર્યા પછી મોટી ગેરરીતિઓ પ્રકાશમાં આવી
જયારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા શનિવારે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેની બાદ ક્રાઇમ બ્રાન્ચે 14 નવેમ્બરની રાત્રે હરિયાણા સ્થિત યુનિવર્સિટી સામે છેતરપિંડીના આરોપમાં બે ફરિયાદ નોંધી હતી. આ બંને નિયમનકારી સંસ્થાઓએ યુનિવર્સિટીના માન્યતા દાવાઓની સમીક્ષા કર્યા પછી મોટી ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓને તેમના તારણો સુપરત કર્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ફરિયાદ કથિત ખોટા દસ્તાવેજો અને યુનિવર્સિટી દ્વારા માન્યતાના દાવાઓ સાથે સંબંધિત છે. આ મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
શંકાસ્પદો યુનિવર્સિટી સાથે જોડાયેલા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સિદ્દીકીને સમન્સ મોકલવામાં આવ્યું છે તે ગયા અઠવાડિયે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની વ્યાપક તપાસનો એક ભાગ છે. વિસ્ફોટમાં સામેલ ઘણા શંકાસ્પદો યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. જેના કારણે તપાસ એજન્સીઓને સંસ્થાકીય રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને વહીવટી મંજૂરીઓની તપાસ કરવાની ફરજ પડી છે. આ તપાસ હજુ ચાલુ છે. આ બંને કેસોની તપાસ શાખાના ઇન્ટર સ્ટેટ સેલની અલગ-અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટ કેસમાં ઉમરના સાથી જસીર બિલાલની ધરપકડ, હમાસની જેમ હુમલો કરવાનું હતું ષડયંત્ર



