દિલ્હીમાં પોલીસની PCR વાને નિર્દોષનો ભોગ લીધો: ફૂટપાથ પર ચાલતા વ્યક્તિને ટક્કર મારતા મોત

નવી દિલ્હી: ગત રવિવારે દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન નજીક રિંગ રોડ પર BMW કારે એક ટુ-વ્હીલરને ટક્કર મારતાં કેન્દ્રિય નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી નવજોત સિંહનું મૃત્યુ થયું હતું અને તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઇ રહી છે, એવામાં દિલ્હીમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિલ્હી પોલીસની પીસીઆર વાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અહેવાલ મુજબ આ ઘટના દિલ્હીના થાણા મંદિર માર્ગ વિસ્તારમાં બની હતી. દિલ્હી પોલીસની પીસીઆર વાન સાથે ફૂટપાથ પર ચાલી રહેલા એક વ્યક્તિને ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા મુજબ પીસીઆર વાનના ડ્રાઈવરે ભૂલથી એક્સિલરેટર પર પગ મૂકી દીધો હતો, જેના કારણે કાર ફૂટપાથ પર ચાલી રહેલા વ્યક્તિ પર ચડી ગઈ હતી, ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસના વાહને નિર્દોષનો જીવ લેતા હોબાળો મચી ગયો છે.
મૃતકની ઓળખ 55 વર્ષીય ગંગારામ તિવારી તરીકે થઇ છે. અહેવાલ મુજબ અકસ્માત સમયે પીસીઆર વાનમાં સવાર દિલ્હી પોલીસના બંને અધિકારીઓ, એક એએસઆઈ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક એફઆઈઆર નોંધવામાં આવી છે.
મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ વાનમાં સવાર બંને અધિકારીઓ તેઓ ખૂબ જ નશામાં હતા. વાહનમાં દારૂની બોટલો હતી. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સમયે તેઓ નશાની હાલતમાં હતા કે નહીં એ જાણવા માટે બંને અધિકારીઓનો મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ છે, સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જવાબદાર કર્મચારી સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
આપણ વાંચો: ઉત્તરાખંડના વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ વેરાયો, બે ગામ થયા જળમગ્ન