દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના પાંચ શૂટર્સની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના પાંચ શૂટર્સની ધરપકડ કરી છે. જેમાં ઇન્દ્રપ્રીત સિંહ ઉર્ફે પેરી હત્યા કેસના ગુનેગારની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરેલા શંકાસ્પદોમાં કોન્ટ્રાક્ટ કિલર પણ છે.આ ગુનેગારોએ અનેક હત્યાઓને અંજામ આપ્યો છે. તેઓ રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટા અને લાયન બાર એન્ડ રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજનની હત્યામાં પણ સામેલ હતા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતા હતા
પોલીસે ધરપકડ કરેલા શૂટર્સમાં અંકુશ, પીયૂષ પિપલાણી, કુંવર બીર, લવપ્રીત અને કપિલ ખત્રીનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વોન્ટેડ હતા અને લાંબા સમયથી ફરાર હતા. ધરપકડ કરાયેલા શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતા હતા અને આ ત્રણ હત્યાઓના લોજિસ્ટિકલ સપોર્ટ, રેકી અને હત્યામાં સામેલ હતા. તપાસ એજન્સીઓનું કહેવું છે કે બાકીના ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઇન્દ્રપ્રીત સિંહ પર 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું
પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં જ ચંદીગઢમાં ઇન્દ્રપ્રીત સિંહ ઉર્ફે પેરીની હત્યાનો છે. 1 ડિસેમ્બર, 2025ના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઇન્દ્રપ્રીત સિંહ ઉર્ફે પેરીની એસયુવી કાર પર હુમલો કર્યો હતો. તેમજ ઇન્દ્રપ્રીત સિંહ પર 11 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત જૂન 2025માં આ જ ગેંગે પિંજોરમાં અમરાવતી મોલની બહાર રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટાની ગોળી મારીને હત્યા કરી હતી. બિશ્નોઈ ગેંગે એક વીડિયો જાહેર કરીને જવાબદારી સ્વીકારી હતી.
હેરી બોક્સર ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી
તેમજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ અમૃતસરમાં લાયન બાર અને રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજનની તેમની જ રેસ્ટોરન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હેરી બોક્સર ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
દિલ્હી પોલીસની આ કાર્યવાહીના લીધે હવે લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના નેટવર્કને મોટો આંચકો લાગ્યો છે. તેમજ પોલીસ આ લોકોની પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કને ઝડપવાની દિશામાં કાર્ય કરી રહી છે.



