
દિલ્હી પોલીસને આજે સવારે મોટી સફળતા હાથ લાગી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. NIAએ આ આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. પૂછપરછ બાદ આતંકીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, પોલીસે વધુ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શાહનવાઝ પુણે ISIS કેસમાં વોન્ટેડ હતો. વ્યવસાયે એન્જિનિયર શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે. તે પુણે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેટલાક અન્ય લોકોની પણ અટકાયત કરી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ સેલ દ્વારા ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. પોલીસે ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદીઓની યોજના ઉત્તર ભારતને નિશાન બનાવવાની હતી. દેશની બહાર બેઠેલા હેન્ડલરો પાસેથી સૂચનાઓ મળી રહી હતી.
પૂણે પોલીસે આરોપી શાહનવાઝને અગાઉ 17-18 જુલાઇની મોડી રાત્રે મોટરસાઇકલની ચોરી કરતી વખતે પકડ્યો હતો. પરંતુ તે કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.