
નવી દિલ્હી: લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઘણા સભ્યો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પાછલા કેટલાક સમયમાં આ ગેંગના સભ્યો ઘણા લોકોને પોતાની બંદૂકનો નિશાનો બનાવી ચૂક્યા છે. તેથી આ પોલીસ આ ગેંગના સભ્યોને પકડવા માટે મોટી જહેમત ઉઠાવી રહી છે. ત્યારે આ ગેંગના બે સભ્યોને પકડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી છે.
એન્કાઉન્ટરમાં એકને ગોળી વાગી
દિલ્હીન પશ્ચિમ વિહાર અને વિનોદ નગર વિસ્તારમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટર દિલ્હી પોલીસની નજરે ચડ્યા હતા. પોલીસને જોઈને શાર્પશૂટર્સે ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ એન્કાઉન્ટરમાં એક શાર્પશૂટરને પગમાં ગોળી વાગી હતી. જેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર પણ ધરપકડ કરવામાં આવી હતી. આ શાર્પશૂટર સગીર હોવાનું સામે આવ્યું છે.
પાછલા દિવસોમાં પંજાબ પોલીસને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોને પકડવામાં સફળતા મળી હતી. પંજાબ પોલીસની એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે એક જોઈન્ટ ઓપરેશન હેઠળ એન્કાઉન્ટર બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર શૂટર્સની ધરપકડ કરી હતી. આ શૂટર્સ ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોંના કહેવાથી ચંડીગઢ ટ્રાઈસિટી અને પટિયાલા વિસ્તારમાં ‘ટાર્ગેટ કિલિંગ’ને અંજામ આપવાનો પ્લાન કરી રહ્યા હતા.
આ પણ વાંચો…દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના પાંચ શૂટર્સની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, પંજાબમાંથી ઝડપાયેલા ચાર શૂટર્સ પાસેથી સાત 32 કેલિબરની પિસ્તોલ અને 70 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ પટિયાલાના રાજપુરાના રહેવાસી હતા. જેમના નામ હરવિંદર સિંહ ઉર્ફ ભોલા, લખવિંદર સિંહ, મોહમ્મદ સમીર અને રોહિત શર્મા હોવાનું સામે આવ્યું હતું.



