
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું(Monsoon 2024) આગમન થયું છે. ત્યારે ઉત્તર ભારત હજુ પણ ગરમીની ચપેટમાં છે. જેમાં શનિવારે દિલ્હીમાં(Delhi)મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે છે. અહીં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના આયા નગર સ્ટેશન પર મહત્તમ તાપમાન 46 ડિગ્રી અને પાલમ વેધર સ્ટેશન પર 44 ડિગ્રી નોંધાયું હતું.
ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ
રવિવારે પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. રવિવારે આકાશ સ્વચ્છ રહી શકે છે અને વધુ ગરમી પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી ‘ઓરેન્જ’ એલર્ટ રહેશે. જેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
Read more:
જમ્મુ-કાશ્મીરમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ
દેશના અન્ય ઉત્તર ભારતીય રાજ્યોની સ્થિતિ દિલ્હી જેવી જ છે. શનિવારે આઠ રાજ્યોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યો હતો. તે જ સમયે, અન્ય તમામ રાજ્યોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ હતું. જે દેશના સૌથી ઠંડા સ્થળોમાંનું એક હતું.
યુપી-દિલ્હીમાં એલર્ટ જાહેર
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં હીટ વેવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. શનિવારે કાનપુર દેશનું સૌથી ગરમ શહેર હતું. અહીં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના આયાનગરમાં 46 ડિગ્રી અને રાજસ્થાનના પિલાનીમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઝારખંડના દૌલતગંજ, બિહારના દેહરી, મધ્યપ્રદેશના ખજુરાહો, હરિયાણાના રોહતક અને પંજાબના પટિયાલામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
Read more:
આ રાજ્યોને રાહત ક્યારે મળશે ?
દેશમાં ચોમાસું નિર્ધારિત સમય પહેલા આવી ગયું હતું, પરંતુ તે પછી તેની ગતિ ધીમી પડી ગઈ હતી અને દેશના મોટાભાગના રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ થવાની સંભાવના છે. દેશના દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. પરંતુ મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં હજુ પણ આકરી ગરમી યથાવત છે.