
મથુરાઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ અત્યારે સતર્ક થઈને તપાસ કરી રહી છે. આ દરમિયાન હવે દિલ્હીના નિઝામુદ્દીનમાં આવતી શ્રીધામ એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રેલવે અધિકારીઓને એક એલર્ટમાં શ્રીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના ડબ્બામાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. જેથી અત્યારે આખી ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. જો કે, ટ્રેનમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.
મથુરા જંકશન પર બોમ્બ સ્ક્વોડને તૈનાત કરી દેવામાં આવી
દિલ્હીના નિઝામુદ્દીન આવી રહેલી શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બની ધમકી મળ્યા બાદ હંગામો મચી ગયો હતો. વધારે વિગતે વાત કરવામાં આવે તો, બોમ્બની માહિતી મળ્યા બાદ મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા આખી ટ્રેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. સદનસીબે આ ટ્રેનમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો. જેથી તપાસમાં આ ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું છે. જો કે, બોમ્બની ધમકી મળતા જ મુસાફરો ખૂબ જ ગભાઈ ગયાં હતાં.
આખી ટ્રેનની સંપૂર્ણ તપાસ કરાઈ પણ શંકાસ્પદ કઈ ના મળ્યું
ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા શ્રીધામ એક્સપ્રેસને મથુરા જંકશન પર રોકી દેવામાં આવી હતી. મથુરા જંકશન બોમ્બ સ્ક્વોડ દ્વારા ટ્રેક કોચની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ભોપાલમાં બોમ્બ એલર્ટ મળ્યા બાદ દરેક સ્ટેશન પર ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેન મથુરા જંકશન પર આવી ત્યારે, RPF, GRP અને ડોગ સ્ક્વોડ ટીમો પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ટ્રેન મથુરા જંકશન પર પ્લેટફોર્મ નંબર 2 પર રોકાઈ હતી. આ દરમિયાન બોમ્બ સ્ક્વોડ દ્વારા જનરલ કોચની તપાસ કરવામાં આવી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. ટ્રેનમાં બોમ્બ ન મળતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.



