દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. અહીંની હવા સતત ઝેરી બની રહી છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ અને જાહેર પ્રોજેક્ટ્સ પર બાંધકામને સ્થગિત કરવા સહિતના નિયંત્રણના પગલાં હોવા છતાં, AQI આંકડો મંગળવારે સવારે 500 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીના પંજાબી બાગ, પુસા, રોહિણી, શાદીપુર, સોનિયા વિહાર, વિવેક વિહાર, વજીરપુર, અલીપુર, આનંદ વિહાર, બવાના, જહાંગીરપુરી, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નરેલા, નેહરુ નગર અને પ્રતાપગંજ વિસ્તારોમાં AQI 500ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયો છે. વધતા જતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને નોઇડા, ગુરુગ્રામની શાળાઓએ અને દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુએ ઓનલાઈન ક્લાસની જાહેરાત કરી છે.
Also read: પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું: ધોરણ 10-12ના સિવાયનાં વર્ગો બંધ…
દિલ્હીમાં પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે MCD ઓફિસોમાં સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી કામ થશે. જ્યારે દિલ્હી સરકારની ઓફિસો સવારે 10:00 થી સાંજે 6:30 વાગ્યા સુધી કામ કરશે. દિલ્હીમાં પ્રદુષણને જોતા અલગ-અલગ સમયે ઓફિસો ખોલવા અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદૂષણના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ ગયું છે. વિઝિબિલિટી ઘટી જવાને કારણે ઘણી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ 18 નવેમ્બર 2024થી દિલ્હી-એનસીઆરમાં સંશોધિત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ચોથા તબક્કાનો અમલ કર્યો છે. આ ઉપરાંત ધોરણ 9 સુધીની શાળાઓને ઓનલાઈન વર્ગો ચલાવવા માટે કહેવામાં આવ્યું છે અને ધોરણ 10-12ના બાળકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સાથે જ કન્સ્ટ્રક્શન વર્ક, ડીઝલ જનરેટર જેવી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ખતરનાક સ્તરે પહોંચેલા વાયુ પ્રદૂષણને જોતા સરકાર હાઇવે, રસ્તા, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન, પાઇપલાઇન્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા જાહેર પ્રોજેક્ટ્સના બાંધકામ અને વિકાસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો અને સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લઇ શકે છે.
Also read: દિલ્હી-NCR ની હવા વધુ ઝેરી બની; GRAP-4 લાગુ, કાલથી લાગુ થશે નિયંત્રણો…
વાહનોને રજિસ્ટર્ડ નંબરોના આધારે ઓડ-ઇવન ધોરણે ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય પણ વિચારાધીન છે. હૃદય અને શ્વસન સંબંધી રોગોથી પીડિત બાળકો, વૃદ્ધો, માનસિક બીમારીથી પીડિત અથવા કોઈપણ લાંબી બીમારીથી પીડિત લોકોને બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. લોકોને પણ ઘરમાં એર પ્યુરિફાયર લગાવવાની સલાહ આપવામાં આવી છે.