ગુજરાતના માત્ર 87 કિમીના ભાગને કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિલંબિત! 4 વર્ષ બાદ પણ કામ અધૂરું

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભા એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાંથી પસાર થતો 1,350 કિલોમીટર લાંબો નિર્માણાધીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME) વર્ષ 2027-28 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ નાના ભાગનું નિર્માણકાર્ય નિયત સમય કરતા 4 વર્ષ પાછળ ચાલી રહ્યું છે, કોન્ટ્રાક્ટર અને NHAI એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે, પરિણામે પ્રોજેક્ટ મોડો ચાલી રહ્યો છે અને જનતાના કરોડો રૂપિયા બરબાદ થઇ રહ્યા છે.
જુલાઈ 2024 માં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું આ પ્રોજેક્ટનું 80% થી વધુ કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે, તો સવાલ એ થઇ રહ્યો છે કે બાકીનું 20 ટકા કામ કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? જેનું એક કારણ કેટલાક ભાગોમાં કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા(NHAI) વચ્ચેનો વિવાદ છે.
કોન્ટ્રાક્ટર અને NHAI વચ્ચે વિવાદ:
મોદી સરકારનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 1.04 લાખ કરોડ રૂપિયાના અધધ ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. પાંચ રાજ્યો હરિયાણા (129 કિમી), રાજસ્થાન (373 કિમી), મધ્યપ્રદેશ (244 કિમી), ગુજરાત (426 કિમી) અને મહારાષ્ટ્ર (171 કિમી)માંથી પસાર થતા આ એક્સપ્રેસવેનું નિર્માણ માર્ચ 2024 સુધીમાં પૂરું થઇ જવું જોઈતું હતું. પરંતુ ગુજરાતમાં એક્સપ્રેસવેના કુલ 87 કિમીના ત્રણ પટ્ટા બનાવવ મામલે કોન્ટ્રાક્ટર અને NHAI વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરને ફરી ટેન્ડર આપવામાં આવ્યું:
અગ્રેજી ભાષાના એક પ્રમુખ અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં આ એક્સપ્રેસવેના ત્રણ પટ્ટાનો કોન્ટ્રાક્ટ પુણે રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ (RSIIL) ને 2021 માં આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે નિર્માણ કાર્યમાં વિલંબ કરતા માર્ચ 2023 માં બે પટ્ટા માટેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નવેમ્બર 2023 માં એ જ કોન્ટ્રાક્ટરને ફરી એ જ કામ સોંપવામાં આવ્યું. જેની સામે સવાલ ઉઠી રહ્યા છે, જયારે NHAI એવું જાણવી રહી છે કે કોન્ટ્રાક્ટરે સૌથી ઓછી બોલી લગાવી હતી.
ચાર વર્ષમાં માત્ર 20 ટકા કામ જ પૂર્ણ થયું:
RSIILને સૌ પ્રથમ વાર કોન્ટ્રાક્ટ આપ્યાના આજે વર્ષ જેટલો સમય વિતી ચુક્યો છે, છતાં આ 87 કિમીમાંથી માત્ર 20 ટકા કામ જ પૂર્ણ થઇ ચુક્યું છે. NHAI કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી શકે છે, અને કોન્ટ્રાક્ટ ફરી રદ કરવામાં આવી શકે છે. એટલે કામમાં વધુ મોડું મોડું થઇ શકે છે, અને લોકોને આ એક્ષપ્રેસવે પર મુસાફરી કરવા માટે વધી રાહ જોવી પડી શકે છે.
RSIIL અને NHAI વચ્ચે આરોપ-પ્રતિઆરોપ:
અહેવાલમાં આવામાં આવેલી જાણકરી મુજબ RSIIL એવો દાવો કરી રહી છે કે NHAI દ્વારા જમીન ફાળવવામાં ન આવતા આ વિલંબ થઇ રહ્યો છે. બીજી તરફ NHAI RSIIL પર આરોપ લગાવી રહી છે કે કંપની ઓછી કાર્યક્ષમતા સાથે કામ કરી રહી છે.
સંપૂર્ણ DMEને 53 પેકેજોમાં વહેંચાયવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરા-વિરાર સેક્શન પર પેકેજ નંબર-8(જુજુવા-ગંડેવા)નો કોન્ટ્રાક્ટ મે 2021, પેકેજ નંબર-9 (કરવડ-જુજુવા)નો કોન્ટ્રાક્ટ જુલાઈ 2021 અને પેકેજ નંબર-10 (તલસારી-કરવડ) નો કોન્ટ્રાક્ટ માર્ચ 2021માં RSIIL ને સોંપવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ એક્સપ્રેસવેનો બાકીનો ભાગ લગભગ તૈયાર છે, પરંતુ આ ત્રણ પટ્ટાનું કામ આગળ વધી શક્યું નથી.
કોન્ટ્રાક્ટ રદ કરીને RSIILને જ કામ સોંપવામાં આવ્યું:
માર્ચ 2023 માં NHAI એ જુજુવા-ગંડેવા અને કરવડ-જુજુવા માટે RSIIL ને આપેલા કોન્ટ્રાક્ટ રદ કર્યા, અને નવું ટેન્ડર બહાર પાડ્યું હતું. RSIIL એ ફરીથી આ ટેન્ડર માટે બીડ દાખલ કરી અને નવેમ્બર 2023 માં RSIILને જ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે(MoRTH)ના જણાવ્યા મુજબ RSIIL ને બીજી વખત કોન્ટ્રાક્ટ મળી શકે નહીં. NHAI ના અધિકારીના જણવ્યા મુજબ કોઈ કંપનીને ટેન્ડરમાં ભાગ લેતા રોકી શકાય નહીં.
RSIIL એવો દાવો કરી રહી છે કે NHAIએ નિયમોનું ઉલંઘન કરીને કોન્ટ્રાક્ટ રદ કર્યા હતાં, જે ગેરકાયદેસર હતું.
મુસાફરીનો સમય આટલો ઘટી જશે:
DMEનું કાર્ય પૂર્ણ થઇ જતાં દિલ્હીથી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર વચ્ચેનું અંતર 180 કિમી ઘટી જશે અને મુસાફરીનો સમય 50 ટકા સુધી ઘટી જશે, જેને કારણે દર વર્ષે હજારો કોરોડ રૂપિયાના ઇંધણની બચત થશે. નોંધનીય છે કે આ એક્સપ્રેસવેના દિલ્હી-લાલસોટ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિભાગો શરુ કરી દેવામાં આવ્યા છે.
આપણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, પથ્થરોમાં ફૂંકતા હતા પ્રાણ



