દિવાળીની રાત્રે દિલ્હીના મકાનમાં ભીષણ આગ: ૭ લોકોનો હેમખેમ બચાવ

નવી દિલ્હી: દિવાળીની રાત્રે પશ્ચિમ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી હતી અને એમાં રહેતા સાત જણને બચાવાયા હતાં. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે મોહન ગાર્ડનમાં સ્થિત એક રહેણાંક મકાનમાં આગ લાગવા અંગે રાત્રે ૯.૪૯ વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દ્વારકા) અંકિત સિંહે જણાવ્યું હતું કે ત્રણ પરિવારના કુલ સાત જણને ઇમારતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી ચારને સ્થાનિક પોલીસે દોરડાની મદદથી અને ફાયર બ્રિગેડના આગમન પહેલાં આસપાસના લોકોની મદદથી બચાવ્યા હતા. બાકીના ત્રણને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.
ડીસીપીએ જણાવ્યું હતું કે જે લોકોને બચાવ્યા છે તેમાં, હરવિંદર સિંહ (૩૪), તેમની પત્ની પ્રિયા (૨૭), વીરેન્દ્ર સિંહ (૩૨), તેમની પત્ની પ્રેમવધા, રાખી કુમારી (૪૦), તેમના બાળકો વૈષ્ણવી સિંહા (૧૫) અને કૃષ્ણા સિંહા (૧૦) બધા સુરક્ષિત બચી ગયા હતા.
સોમવારે રાત્રે ૧૦ વાગ્યે ઇમારતના પહેલા અને બીજા માળે આગ લાગવા અંગે ફોન આવ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસિસ (ડીએફએસ)ના અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડાના કારણે ઘરેલું સામાનમાં આગ લાગી હતી અને સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.