નેશનલ

દિલ્હી મેટ્રો હવે એરપોર્ટ લાઇન પર ઐતિહાસિક ઝડપે દોડશે

માત્ર 15 મિનિટમાં એરપોર્ટ પહોંચાડશે

નવી દિલ્હી: દિલ્હી મેટ્રો નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રોની સ્પીડ વધારવામાં આવી છે. હવે અહીંની મેટ્રો ઐતિહાસિક ગતિએ ટ્રેક પર દોડશે. દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર ટ્રેનોની સ્પીડ વધારીને 120 કિમી પ્રતિ કલાક કરવામાં આવી રહી છે.

એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો દેશના કોઈપણ મેટ્રો નેટવર્કમાં સૌથી ઝડપી હશે. એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કોરિડોર પર પ્રથમ વખત ટ્રેનો તે ઝડપે દોડશે જેના માટે તેને ડિઝાઇન કરવામાં આવી હતી. મેટ્રોની સ્પીડ વધાર્યા બાદ મુસાફરો હવે એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો દ્વારા માત્ર 15 મિનિટમાં નવી દિલ્હીથી એરપોર્ટ ટર્મિનલ T-3 પહોંચી જશે. ડીએમઆરસી એન્જિનિયરો, અન્ય સરકારી એજન્સીઓ અને નિષ્ણાતોની સલાહ લીધા બાદ મેટ્રો લાઇનની ઝડપ વધારવાના નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા આ વર્ષે જૂનમાં એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર ટ્રેનની સ્પીડ 100 થી વધારીને 110 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી. મેટ્રો રેલ સેફ્ટી પાસેથી મંજૂરી લીધા બાદ 22 જૂનથી ટ્રેનોની સ્પીડમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો હતો. આ સાથે દિલ્હી મેટ્રોએ ભારતમાં સૌથી ઝડપી મેટ્રો સિસ્ટમનો દરજ્જો જાળવી રાખ્યો હતો.


18 મહિના પહેલા દિલ્હી મેટ્રોએ એરપોર્ટ મેટ્રોની સ્પીડને વધુમાં વધુ 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સુધી વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. DMRCના જણાવ્યા મુજબ, ટ્રેનની અવરજવરને સરળ બનાવવા માટે સમગ્ર કોરિડોરમાં 2.6 લાખથી વધુ ટેન્શન ક્લેમ્પ બદલવામાં આવ્યા છે. મેટ્રોની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટાભાગનું કામ રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનના વિસ્તૃત સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું, જે દ્વારકા સેક્ટર-21ને દ્વારકા સેક્ટર 25 સાથે જોડવા માટે બનાવવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દ્વારકા સેક્ટર 21 થી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઇનનો એક્સટેન્ડેડ વિભાગ આજે બપોરે 3 વાગ્યાથી કાર્યરત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button