દિલ્હી મેટ્રોના દરવાજામાં સાડી ફસાઈ જતાં મહિલાનું મોત, પ્રાથમિક તપાસમાં સેન્સર કામ ન કરતું હોવાનું બહાર આવ્યું

નવી દિલ્હી: દિલ્હી મેટ્રોમાં એક મહિલાના મોતનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હી મેટ્રોના દરવાજામાં સાડી અને જેકેટ ફસાઈ જવાથી ઘાયલ થયેલી મહિલાનું મૃત્યુ થયું હતું. મેટ્રોના દરવાજામાં સાડી ફસાવાથી મહિલા કેટલાય મીટર સુધી ઘસડાઈ હતી.
દિલ્હી મેટ્રોની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના મેટ્રો ડોર સેન્સર કામ ન કરવાને કારણે થઈ છે. દિલ્હી મેટ્રોના દરવાજાના સેન્સર મહિલાના કપડાંની હાજરી શોધવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે અકસ્માત થયો હતો. ટ્રેન પીડિતાને કેટલાય મીટર સુધી ખેંચતી રહી, જેના કારણે તે આખરે પાટા પર પડી. ઘટના બાદ તેને તાત્કાલિક સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેને ન્યુરો સર્જરીના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.બાદમાં શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે આ ઘટના 14 ડિસેમ્બરે ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર બની હતી, જ્યારે મહિલા તેના પુત્ર સાથે નાંગલોઈથી મોહન નગર તરફ જઈ રહી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રવક્તા અનુજ દયાલે જણાવ્યું હતું કે મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) કમિશનર આ ઘટનાની તપાસ કરશે. CMRSને ટુંક સમયમાં રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હી મેટ્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મહિલાની ઓળખ રીના દેવી તરીકે થઈ છે, જે સિંગલ પેરેન્ટ છે. તે નાંગલોઈમાં તેના 2 અને 14 વર્ષના બે બાળક સાથે રહેતી હતી.