Delhi liquor policy: મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત નહીં, ન્યાયિક કસ્ટડી 5મી ફેબ્રુઆરી સુધી લંબાવી
નવી દિલ્હી: કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત ન મળી. તેમની ન્યાયિક કસ્ટડી 5 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. શુક્રવારે મનીષ સિસોદિયાને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન, સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ ઑનલાઇન હાજર થયા. આવી સ્થિતિમાં કોર્ટે તિહાર જેલના અધિકારીઓને પૂછ્યું કે તેમને વ્યક્તિગત રીતે કેમ હાજર કરવામાં ન આવ્યા?
ન્યાયાધીશે જણવ્યું હતું કે, જેલ પ્રશાસન તરફથી એવો કોઈ મેઈલ મળ્યો નથી જેમાં તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવાની પરવાનગી માંગવામાં આવી હોય. તિહાર જેલ પ્રશાસનને આગામી તારીખે મનીષ સિસોદિયાને ફિઝીકલી હાજર કરવા કહેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ આરોપીને પૂછે છે કે જ્યાં સુધી તે જેલમાં છે અને તેની સામે કેસ પેન્ડિંગ છે, તે ફિઝીકલી હાજર થવા માંગે છે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા, સિસોદિયાએ ફિઝીકલી હાજર થવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે 19 જાન્યુઆરી શુક્રવારના રોજ સમાપ્ત થઈ રહી હતી. મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 5 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે