કેજરીવાલ સામે દિલ્હીના LG સક્સેનાએ NIA તપાસની કરી ભલામણ, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અરવિંદ કેજરીવાલ પહેલેથી જ તિહાર જેલમાં બંધ છે, જ્યારે હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેમની સામે NIA તપાસની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેજરીવાલ પર શીખ ફોર જસ્ટિસ સંસ્થા પાસેથી ફંડ લેવાનો આરોપ છે. LGએ આ મામલે NIA તપાસની ભલામણ કરી છે.
LGને ફરિયાદ મળી હતી કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) ને દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ માટે માંગણી અને ખાલિસ્તાન તરફી લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો પાસેથી ભંડોળ ( 16 મિલિયન ડોલર ) મળ્યા હતા.
વીકે સક્સેનાએ NIA તપાસ માટે લખેલા ભલામણ પત્રમાં જણાવ્યું હતું કે ફરિયાદ મુખ્ય પ્રધાન વિરુદ્ધ કરવામાં આવી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પાસેથી લેવામાં આવેલા રાજકીય ભંડોળ સાથે સંબંધિત હોવાથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ઇલેક્ટ્રોનિક પુરાવાની ફોરેન્સિક તપાસની જરૂર છે.
બીજી તરફ એલજીના આદેશ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, “LG ભાજપના એજન્ટ છે. ભાજપના ઈશારે સીએમ કેજરીવાલ વિરુદ્ધ આ તેમનું બીજું મોટું ષડયંત્ર છે, બીજેપી દિલ્હીની તમામ સાત બેઠકો ગુમાવી રહી છે અને તેથી તે ચિંતામાં આવી ગયા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે આ ષડયંત્ર રચ્યું હતું.”
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ તેમને અલગ-અલગ કેસમાં આરોપી બનાવ્યા છે. સીએમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સીએમ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થવાની છે.