ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી-કોલકાતા Air India ફ્લાઈટ રનવે પર રદ્દ...
નેશનલ

ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી-કોલકાતા Air India ફ્લાઈટ રનવે પર રદ્દ…

નવી દિલ્હીઃ દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાનું વિમાન ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી રહ્યું હતું. વિમાન રન વે પર હતું તે દરમિયાન ટેક્નિકલ ખામી હોવાનું જાણવા મળતા ઉદાન રદ્દ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે જ્યારે વિમાનમાં ખામી હોવાનું જણાયું ત્યારે તે રન વે પર ટેક ઓફની તૈયારીમાં હતું. પરંતુ વિમાનમાં ટેકનિકલ ખામીની જાણ થતા સત્વરે પાઇલટે તમામ મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરીને ફ્લાઇટ રદ કરી દીધી હતી.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2403માં આવી ટેકનિકલ ખામી
દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2403 આજે ટેક-ઓફ પહેલા જ રદ કરવામાં આવી હતી.રનવે પર ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીના સંકેતો મળ્યા બાદ, પાઇલટ્સે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે આગામી ફ્લાઇટ્સમાં થોડો વિલંબ થયો છે, પરંતુ એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલી રહી છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?
ફ્લાઇટ AI2403 સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યાં હતાં. એર ઇન્ડિયા દ્વારા અત્યારે તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના મામલે એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ‘આ અચાનક થયેલા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. એર ઇન્ડિયા માટે મુસાફરોની સલામતી અને સુખાકારી સૌથી મોટી પ્રાથમિકતા છે’.

મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
આજે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. ભારે વરસાદના કારણે કોચીથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2744 રનવે પરથી લપસી ગઈ હતી. A320 વિમાન સવારે 9:27 વાગ્યે રનવે 27 પર ઉતર્યું હતું, પરંતુ ટચડાઉન પછી તે રનવે પરથી 16-17 મીટર નીચે ઉતરી ગયું હતું. જોકે, પાઇલોટે વિમાનને કંટ્રોલમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. એના અગાઉ વડોદરામાં એરપોર્ટ ખાતે બે ફ્લાઈટ પર અસર થઈ હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button