દિલ્હી-કામાખ્યા એક્સપ્રેસ ડિરેલમેન્ટઃ પ્રાથમિક તપાસમાં આ કારણ બહાર આવ્યું
નવી દિલ્હીઃ બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી, જેમાં છ લોકોનાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતનો પ્રાથમિક રિપોર્ટ રેલવેને મળ્યો છે, જ્યારે અમુક સાક્ષીના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હી-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડિરેલમેન્ટ માટે પાટામાં ખામીનું કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે આ પ્રાથમિક રિપોર્ટ છે, પરંતુ વિસ્તૃત તપાસ પછી મુખ્ય કારણ જાણવા મળશે. આ અકસ્માતની તપાસ ચીફ સેફ્ટી કમિશનર (રેલવે) કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દિલ્હીથી અસમ જતી ટ્રેન ()ના છ કોચ બુધવારે રાતે 9.53 વાગ્યાના સુમારે પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માત મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં માર્યા જનારાના પરિવારને બિહાર સરકારે ચાર-ચાર લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે પીડિતોને બનતી તમામ મદદ કરવાની હૈયાધારણ આપી હતી. આ અકસ્માત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે પ્રધાન અશ્વિની કુમાર સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોએ દુખ વ્યક્ત કર્યું હતું.
દરમિયાન આ મુદ્દે સાક્ષીઓએ કહ્યું હતું કે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશનથી 9.30 વાગ્યાથી 9.45 વાગ્યાની વચ્ચે કુર્લા-પટણા એક્સપ્રેસ અને ગોંદિયા-બરૌની એક્સપ્રેસ ફાસ્ટ લાઈન પરથી પસાર થઈ હતી, ત્યારબાદ 9.52 વાગ્યાના સુમારે મેન લાઈન પરથી 110 કિલોમીટરની ઝડપથી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ રઘુનાથપુર સ્ટેશનથી પસાર થઈ હતી, ત્યારબાદ અચાનક આંચકો લાગ્યો હતો અને એન્જિનની સાથે અમુક કોચ રેલવેના પાટા પરથી ઉતરી ગયા હતા. આ બનાવ પછી 10.05 વાગ્યાના સુમારે આરા જંક્શન પર ટ્રેન ડિરેલ થવાનો મેસેજ મળ્યો હતો, ત્યારબાદ રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ મુદ્દે લોકો પાઈલટ અને ગાર્ડે પણ સ્ફોટક નિવેદન આપ્યા છે, જેમાં ડિરેલમેન્ટ પહેલા વિસ્ફોટ થયો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું હતું કે અમારા અધિકારીઓ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજરે કહ્યું હતું કે હાલના તબક્કે બચાવ કામગીરી પાર પાડવાની સાથે ટ્રેનસેવા ફરી ચાલુ કરવાની પ્રાથમિકતા છે.