Delhi JDU Meeting: નીતીશ કુમારના કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કહ્યું- ‘અમારા કામની ચર્ચા…’
નવી દિલ્હીઃ આજે JDUની મહત્વપૂર્ણ મીટિંગમાં નીતીશ કુમારે કોંગ્રેસ અને બીજેપી બંને પર નિશાન સાધ્યું હતું. નીતીશ કુમારે કહ્યું હતું કે કોંગ્રેસ તેમના જાતિ આધારિત જનગણના અને આરક્ષણ જેવા કામની ચર્ચા નથી કરતી અને ભાજપ પણ પોતાના કામમાં એમના (નીતીશકુમારના) કરેલા કામને સામેલ કરે છે. બિહારના સીએમ નીતીશ કુમારે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે તેઓ અમારા કામની ચર્ચા કરતા નથી. સીએમ નીતીશે જાતિ આધારિત જનગણતરી અને અનામતને લઈને બેઠકમાં આ વાત કહી હતી. તે જ સમયે તેમણે ભાજપ વિશે બોલતા કહ્યું હતું કે તેઓ તેમના કામમાં અમારું કામ પણ ઉમેરે છે.
જેડીયુની બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે કોંગ્રેસ મહાગઠબંધનની સીટ વહેંચણીમાં વિલંબ કરી રહી છે. જેડીયુ જાતિ આધારિત વસ્તીગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહી છે, ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલા જેડીયુ આને એક મોટો રાજકીય મુદ્દો માની રહી છે. હવે જ્યારે નીતીશ કુમારે જેડીયુની કમાન સંભાળી લીધી છે ત્યારે આવનારા સમયમાં આ મુદ્દે રાજકારણ વધુ ઉગ્ર બની શકે છે. શુક્રવારે સાંજે થયેલી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, પાર્ટીના અધ્યક્ષપદેથી લલન સિંહનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને નીતીશ કુમારને સર્વસંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
જેડીયુની બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, નીતીશ કુમાર ‘ઈન્ડિયા’ અલાયન્સના સંયોજક છે. તેમણે કહ્યું હતું કે, “લલન સિંહના રાજીનામા બાદ મુખ્ય પ્રધાન નીતીશ કુમારને સર્વસંમતિથી પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.” રામ મંદિરના મુદ્દે તેમણે કહ્યું હતું કે, જો આમંત્રણ આપવામાં આવશે તો તેઓ ચોક્કસ જશે.
જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતીશ કુમારની પસંદગી પર સાથી પક્ષ આરજેડી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “…તેઓ (નીતીશ કુમાર) ભૂતકાળમાં પણ સતત પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે અને પાર્ટીના સાર્વત્રિક રીતે સ્વીકૃત નેતા છે. તેમને શુભેચ્છાઓ.”