દિલ્હીમાં ખાડાએ લીધો યુવકનો જીવ: બેદરકારી બદલ 3 એન્જિનિયર તાત્કાલિક સસ્પેન્ડ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે જનકપુરીમાં થયેલા જીવલેણ ખાડાવાળા અકસ્માતના સંદર્ભમાં દિલ્હી જળ બોર્ડના ત્રણ એન્જિનિયરો- એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી ઘટનાની પ્રાથમિક તપાસ બાદ શિસ્તભંગના ભાગરૂપે કરવામાં આવી છે.
દિલ્હીના પ્રધાન પરવેશ સાહિબ સિંહે જણાવ્યું કે જનકપુરી લાઇન રિહેબિલિટેશન પ્રોજેક્ટ વિસ્તાર સાથે સંકળાયેલા અધિકારીઓ- એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર(એએક્સએન), આસિસ્ટન્ટ એન્જિનિયર(એઇ) અને જુનિયર એન્જિનિયર(જેઇ)ને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આપણ વાચો: ગુજરાતમાં ખાડાવાળા રસ્તાઓ બન્યા ‘જીવલેણ’: દર મહિને 80ના મોત
આ કાર્યવાહી શુક્રવારે સવારે પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રોડ પર જળ બોર્ડ સંબંધિત બાંધકામ દરમિયાન ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક મોટરસાઇકલ સવારનું મૃત્યુ થયા બાદ કરવામાં આવી છે. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમજ સ્થળ પર સલામતીના પગલાં, બેરિકેડિંગ અને સુપરવિઝન અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે આ સસ્પેન્શન એક વચગાળાનું પગલું છે. તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશની ઉચ્ચ-સ્તરીય તપાસના પરિણામના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તપાસ સમિતિને અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરવા, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા, નિયમોના પાલનની તપાસ કરવા અને કોઇપણ ચૂક માટે જવાબદારી નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.



