નવી દિલ્હી : નવી દિલ્હી શહેરના જૂના રાજેન્દ્ર નગરમાં શનિવારે મોડી રાત્રે કોચિંગ સેન્ટરના ભોંયરામાં(Delhi IAS Coaching Incident) પાણી ભરાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જેના પગલે રવિવારે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ હોબાળો શરૂ કર્યો છે. બીજી તરફ દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે પણ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. આ સાથે તેમણે એમસીડીના કમિશનરને બેદરકારી દાખવતા આવા તમામ કોચિંગ સેન્ટરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પણ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
મંત્રી આતિશીએ તપાસનો આદેશ આપ્યો
આ અકસ્માત બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કહ્યું ‘દિલ્હીમાં સાંજે ભારે વરસાદને કારણે અકસ્માતના સમાચાર છે. રાજેન્દ્ર નગરમાં એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ જવાના સમાચાર છે.
ફાયર વિભાગ અને NDRF ઘટનાસ્થળે
દિલ્હી ફાયર વિભાગ અને NDRF ઘટનાસ્થળે છે. દિલ્હીના મેયર અને સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં છે. હું દર મિનિટે ઘટનાની અપડેટ લઇ રહી છું. આ ઘટના કેવી રીતે બની તે અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેમને છોડવામાં નહિ આવે.