લગ્ન તોડવા જવાબદાર પ્રેમી/પ્રેમિકા પર વળતરનો દાવો માંડી શકાય? દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું…

નવી દિલ્હી: લગ્નેતર સંબંધોને કારણે તુટતા લગ્ન જીવન મામલે દિલ્હી હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટે એક કેસમાં ચુકાદા દરમિયાન જણાવ્યું કે જો કોઈ ત્રીજી વ્યક્તિએ જાણી જોઈને લગ્નમાં દખલ કરી હોય અને લગ્ન જીવનને નુકસાન પહોંચાડ્યું હોય, તો પતિ/પત્ની તેના જીવનસાથીના પ્રેમી/પ્રેમિકા પર નુકસાનનો દાવો માંડી શકે છે.
એક પત્નીએ તેના પતિની કથિત પ્રેમિકા પાસે “એલિયનેશન ઓફ એફેક્શન(AoA) ” માટે ₹4 કરોડના નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી હતી.
દિલ્હી હાઈ કોર્ટ ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવે ચુકાદામાં જણાવ્યું કે હિન્દુ લગ્ન કાયદા સહિત ભારતના અન્ય વૈવાહિક કાયદાઓ હેઠળ ફેમિલી કોર્ટમાં ત્રીજા પક્ષ સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં. આવા કિસ્સાઓમાં ખોટી દખલગીરીને કારણે થયેલા નુકસાન બદલ વળતરનો દાવો સિવિલ કોર્ટમાં ચલાવી શકાય છે.
શું છે મામલો:
આ કેસમાં સામેલ દંપતીએ 2012 માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ પતિનો તેની કંપનીમાં કામ કરતી એક મહિલા કર્મચારી સાથે સંબંધ બંધાયો હતો, મહિલા કર્મચારી જાણતી હતી કે તેના બોસ પરણિત છે. પતિએ 2023 માં છૂટાછેડા માટે અરજી કરી. પત્નીએ આ વર્ષે હાઇકોર્ટમાં અરજી કરી અને પતિની પ્રેમિકા પાસેથી વળતરની માંગ કરી હતી.
હાઈ કોર્ટે કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી હોવા છતાં, નુકસાન માટે સિવિલ દાવો દાખલ કરવાથી કોઈને રોકી શકાય નહીં. આવો દાવો ફેમિલી કોર્ટ નહીં, પરંતુ સામાન્ય સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે.
AoA એ નાગરિક ગુનો થાય છે. જીવનસાથી લગ્ન તુટવા અથવા પ્રેમ સંબંધને નુકશાન પહોંચડવા બદલ ત્રીજા પક્ષ પાસેથી નાણાકીય વળતર મળવી શકે છે. જો કે AoAને ભારતીય કાયદામાં કોડીફાય કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો…સ્પેનની રોયલ ફેમિલી વિવાદોમાં: રાણી લેટિઝિયાનાં લગ્નેતર સંબંધોનો ઘટસ્ફોટ