દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો ઝટકો, ટેક્સ કેસમાં રાહત આપવાનો કર્યો ઈન્કાર, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે, કોંગ્રેસે 105 કરોડ રૂપિયાની ઈન્કમ ટેક્સ વસુલાતની નોટિસ પર સ્ટે લગાવવાની માગ હાઈકોર્ટમાં કરી હતી. આ મામલે કોંગ્રેસ પાર્ટીએ માર્ચ 2024માં કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જો કે કોંગ્રેસની માગ હાઈકોર્ટે ફગાવી દીધી હતી, કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી બની છે.
ન્યાયાધીશ યશવંત વર્માની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે અમારા માટે આપવામાં આવેલા આદેશોમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા 8 માર્ચના રોજ ઈન્કમ ટેક્સ ટ્રીબ્યુનલમાં પણ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવા માટે ઈન્કમ ટેક્સ વિભાગની 13મી ફેબ્રુઆરીની નોટિસ પર સ્ટે મૂકવાની અરજી કરવામાં આવી હતી જો કે ત્યાં પણ તેની વિરૂધ્ધ ચુકાદો આવતા અંતે કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટ વતી કોંગ્રેસ પાર્ટીને ITATમાં ફરીથી પોતાની દલીલો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં, ઈન્કમ ટેક્સ વિભાગે 2018-19 માટે રૂ. 210 કરોડના આવકવેરાની માંગણી કરતી કોંગ્રેસ પાર્ટીના ચાર મુખ્ય બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આ પછી, પાર્ટીએ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આવકવેરા વિભાગની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે, તો પક્ષ બિલ અને પગાર ચૂકવી શકશે નહીં. ઉલ્લેખનિય છે કે ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રિ કરી દીધા છે.
કોંગ્રેસના ખજાનચી અજય માકને 21 ફેબ્રુઆરીએ આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં સુનાવણી અને ચુકાદો પેન્ડિંગ હોવા છતાં, આવકવેરા વિભાગે બેંકોને કોંગ્રેસ, ભારતીય યુવા કોંગ્રેસ અને NSUIના ખાતામાંથી 65 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં કોંગ્રેસના વકીલોએ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને થોડી સુરક્ષા આપવામાં આવે નહીંતર પાર્ટી તૂટી જશે. તેમણે કહ્યું હતું કે, “આગામી થોડા દિવસોમાં લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જારી થવાની આશા છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ દબાણમાં છે કારણ કે તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.”