લક્ઝુરિયસ કાર લઈને પ્રચાર માટે નીકળતા DUના વિદ્યાર્થીઓ સામે કોર્ટ ખફાઃ જાણો શું કહ્યું…

નવી દિલ્હી: દેશમાં લીડરની પસંદગી કરવા માટે ચૂંટણી થાય છે. કેન્દ્ર અને રાજ્યની ધારાસભાઓ ઉપરાંત યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ચૂંટણી યોજાય છે. તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટી ખાતે ચૂંટણી યોજાઈ હતી.
જેને લઈને દિલ્હી હાઈ કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઈ કોર્ટે વિદ્યાર્થી સંગઠનોના નેતાઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.

વિદ્યાર્થીઓ મોંઘી કાર ક્યાંથી મેળવે છે?
દિલ્હી હાઈ કોર્ટે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ની ચૂંટણીના પ્રચાર દરમિયાન બેન્ટલી, રોલ્સ રોયસ અને જેસીબી જેવી મોંઘી કારનો ઉપયોગ થવા બદલ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બનેલી ડિવિઝન બેન્ચે ટિપ્પણી કરી કે, ઉમેદવારોએ ગયા વર્ષના આદેશમાંથી કોઈ પાઠ શીખ્યો નથી.
દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં આવા પ્રકારના પ્રચારથી વધુ ખરાબ શું હોઈ શકે. દિલ્હી હાઈ કોર્ટની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, વિદ્યાર્થીઓ આટલી મોંઘી કાર ક્યાંથી મેળવે છે? હાઈ કોર્ટે તેને લોકશાહી પ્રણાલી માટે દુઃખદ ટિપ્પણી ગણાવી છે.
અદાલતે એબીવીપીના નવા ચૂંટાયેલા ડીયુએસયુ પ્રમુખ આર્યન માન અને એનએસયુઆઈના ઉપપ્રમુખ રાહુલ ઝાસાલા સહિત અન્ય સભ્યોને નોટિસ પાઠવી છે. કોર્ટે જણાવ્યું કે લિંગદોહ સમિતિની ભલામણો અને અગાઉના આદેશોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. બેન્ચે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓથી સૌથી વધુ નિરાશ છે.
હાઈ કોર્ટે 7 વિદ્યાર્થીઓ પાસે માંગ્યો જવાબ
હાઈ કોર્ટે ચૂંટણી લડી રહેલા સાત વિદ્યાર્થી ઉમેદવારોને પક્ષકાર બનાવવાનો અને તેમને નોટિસ પાઠવીને જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે બે ન્યૂઝ ચેનલોને પણ પક્ષકાર બનાવી છે અને તેમને યુનિવર્સિટી ચૂંટણીના કવરેજના વિડીયો ફૂટેજ કોર્ટમાં સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
ગત વર્ષે પણ, કોર્ટે જાહેર સંપત્તિને થયેલા નુકસાનને કારણે DUSU ચૂંટણી પરિણામો પર સ્ટે મૂક્યો હતો, અને આ વર્ષે પણ વિજય સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અરજદાર એડવોકેટ પ્રશાંત મનચંદાએ ફોટોગ્રાફ્સ અને સમાચાર અહેવાલો દ્વારા કોર્ટને ઉલ્લંઘનોની જાણ કરી હતી. કોર્ટે ઉમેદવારોના જવાબ પર પણ વાંધો ઉઠાવ્યો, જેમાં તેમણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇનકાર કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 6 નવેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો…દિલ્હીમાં ફરી એક વાર અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી