દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો, IT વિભાગની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નજીક આવી રહી છે, એ પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ ખતમ નથી થઇ રહી. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસે કરેલી અરજી ફગાવી દેતા દિલ્હી હાઈ કોર્ટે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે તેની અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા રિકવરી પ્રક્રિયાને પડકારી હતી.
દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આદેશમાં કહ્યું કે કોંગ્રેસના બેંક ખાતામાં ઘણા બિનહિસાબી વ્યવહારો થયા છે. આવકવેરા વિભાગ પાસે તેમની રીઅસેસ્મેન્ટની કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા અને નક્કર પુરાવા હતા. જેના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં, વર્ષ 2014-15, 16 અને 17 માટે આવકવેરા વિભાગ દ્વારા રિએસેસ્મેન્ટની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. આમાં, આવકવેરા વિભાગે કહ્યું કે રેકોર્ડ પરની સામગ્રી એ બતાવવા માટે પૂરતી છે કે પાર્ટીની શેષ આવક 520 કરોડ રૂપિયાથી વધુ છે.
કોંગ્રેસે ત્રણ વર્ષના આવકવેરા વિભાગની ટેક્સ પુન: રિએસેસમેન્ટની કાર્યવાહી સામે અરજી કરી હતી. કોંગ્રેસના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટ એક્શન પર સમય મર્યાદા લાગુ થાય છે. આવકવેરા વિભાગ મહત્તમ છ વર્ષ માટે જ પુનઃઆકારણી કરી શકે છે. રિએસેસમેન્ટની કાર્યવાહી આવકવેરા કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ થઈ રહી છે.
જો કે, આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન થયું નથી. પ્રાપ્ત પુરાવા અનુસાર, પાર્ટીની છુપી આવક 520 કરોડ રૂપિયાથી વધુ છે.
તાજેતરમાં, હાઇકોર્ટે રૂ. 100 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત માટે આવકવેરા વિભાગની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.