દિલ્હી સરકાર હાઈકોર્ટને ફંડ નથી આપી રહી! સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં ઢીલા વલણ બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મુદ્દે બેઠક બોલાવવા જણાવ્યું હતું.
ત્રણ સભ્યોની બેંચે દિલ્હી સરકારને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? તમારી સરકાર શું કરી રહી છે? તમે દિલ્હી હાઈકોર્ટને કોઈ ફંડ આપવા નથી માંગતા? અમને ગુરુવાર સુધીમાં મંજૂરી આપો. આ એક મોડલ હાઈકોર્ટ છે અને એની સ્થિતિ જુઓ. ન્યાયાધીશોને તાલીમ આપવામાં આવી રહી છે અને ત્યાં કોર્ટરૂમ નથી!
શરૂઆતમાં વરિષ્ઠ એડવોકેટ શ્યામ દિવાને જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં અપૂરતી સુવિધાઓને કારણે ફરિયાદી અને ન્યાયાધીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે શહેર જિલ્લા ન્યાયતંત્રમાં 887ની મંજૂર સંખ્યા સામે 813 ન્યાયિક અધિકારીઓ કામ કરે છે. ન્યાયિક અધિકારીઓ માટે 118 કોર્ટ રૂમ અને રહેણાંક ક્વાર્ટર્સની પણ અછત છે.
બેન્ચે કહ્યું કે, અમને દિલ્હી જિલ્લા ન્યાયતંત્રની માંગણીઓ પૂરી કરવામાં દિલ્હી સરકારના ઉદાસીન વલણ માટે કોઈ કારણ કે વાજબીપણું નથી મળતું.