વાયુ પ્રદૂષણને નાથવા દિલ્હી સરકારે જાહેર કર્યો વિન્ટર એક્શન પ્લાન, 3 ઓક્ટોબરથી ગ્રીન રૂમ કરાશે કાર્યરત
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવતા 13 હોટ સ્પોટની ઓળખ કરી છે. પ્રદૂષણનું મોટું કારણ પરાળી બાળવાની પ્રવૃત્તિ છે, આ માટે સરકાર બાયોટિક કંપોઝર છાંટે છે. ગત વર્ષે 4400 એકરમાં છંટકાવ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે 5000 એકરથી વધુ જમીન પર મફતમાં છંટકાવ કરવામાં આવશે.
સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં 13 હોટસ્પોટની ઓળખ કરવામાં આવી છે. વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે નોડલ અધિકારીઓને તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત અધિકારીઓને સરકાર દ્વારા બહાર પાડેલી માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા અને 15-પોઇન્ટ યોજનાના અમલીકરણની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. સીએમ કેજરીવાલે કહ્યું હતું કે કુલ 591 ટીમો બનાવવામાં આવી છે જે વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં ધૂળડમરી ઉડવા સહિત વાયુ પ્રદૂષણ ન થાય તે અંગે નજર રાખશે. 82 રોડ સ્વીપીંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે અને પાણીના છંટકાવ માટે 530 મશીનો લગાવવામાં આવી રહ્યા છે.
રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવા માટે 258 મોબાઈલ એન્ટી સ્મોકિંગ ડિવાઈસ લગાવવામાં આવશે. વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે પીયુસી પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પરના નિયંત્રણોને કડક રીતે લાગુ કરવા માટે 385 ટીમો બનાવવામાં આવી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે ભીડ પર કામ કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે.
લોકોને વૈકલ્પિક માર્ગો લેવા માટે અગાઉથી જાણ કરવામાં આવશે. ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ રહેશે. તેનો કડક અમલ કરાવવા માટે 611 ટીમો બનાવવામાં આવી છે.
ઔદ્યોગિક પ્રદૂષણ પર નજર રાખવા માટે 66 ટીમો બનાવવામાં આવી છે, જે ઔદ્યોગિક એકમો અનધિકૃત અને પ્રદૂષિત ઇંધણનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરશે. 24 કલાક પ્રદૂષણની સ્થિતિ પર નજર રાખવા માટે ગ્રીન વોર રૂમ બનાવવામાં આવશે. આ વોર રૂમ 3 ઓક્ટોબરથી જ શરૂ કરવામાં આવશે, આ માટે 9 સભ્યોની નિષ્ણાત ટીમ તૈનાત કરવામાં આવી રહી છે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે, વૃક્ષારોપણ અભિયાન હેઠળ 75 ટકા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેનો બીજો તબક્કો 15 ઓક્ટોબરથી શરૂ થશે. ઈ-વેસ્ટના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે હોલંબી કલામાં 20 એકર વિસ્તારમાં ઈ-વેસ્ટ પાર્ક વિકસાવવામાં આવશે. જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ગ્રેન્ડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે. આ સાથે જ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અને એનસીઆર રાજ્યો સાથે પણ વાતચીત કરવામાં આવશે.