
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાની બુધવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કવિતાએ ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
કવિતાની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ પણ પાઠવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની સ્પેશિયલ બેન્ચે કહ્યું કે તેણે જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. દરેકે સમાન નીતિનું પાલન કરવું પડશે અને તેમને જામીન માટે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી શકાય નહીં.
બેન્ચે એમ પણ કહ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓને પડકારતી કવિતાની અરજી અંગે કોર્ટ EDને નોટિસ પાઠવી છે, છ સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે.
આપણ વાંચો
દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા કવિતાને ઝટકો, કોર્ટે 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલ્યા
ઇડી દ્વારા તેની ધરપકડ બાદ તરત જ કવિતાએ તેની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હીની કોર્ટે 16 માર્ચે કવિતાને એક સપ્તાહ માટે ED કસ્ટડીમાં મોકલી હતી.
15 માર્ચે EDની ટીમે હૈદરાબાદ સ્થિત કવિતાના નિવાસસ્થાને તાપસ હાથ ધરી અને તેમની પૂછપરછ કરી, ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.