
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Assembly Elections)ની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હાલ રહેલા સીએમ આવાસ અને શીશમહેલ વિવાદ વચ્ચે હવે એક આરટીઆઇની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં પીએમ મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દિવાળીની ઉજવણી માટે સરકારી નાણાંનો ઉપયોગ કર્યો ન હતો. હાલ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના શીશ મહેલ પર કથિત ખર્ચનો મુદ્દો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા એક મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો: આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત
દિવાળી તહેવાર પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી
આ આરટીઆઇમાં પીએમ મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અલગ અલગ વિચારધારા ધરાવતા હોવા છતાં સાદગીભર્યા જીવન જીવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે પુણે સ્થિત કાર્યકર્તા પ્રફુલ શારદાએ નવેમ્બર 2024માં એક RTI દાખલ કરી હતી. જેમાં 26 ડિસેમ્બર 2024ના રોજ મૃત્યુ પામેલા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને પીએમ મોદી બંનેના કાર્યકાળ દરમિયાન વાર્ષિક દિવાળી તહેવાર પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. કાર્યકર્તા પ્રફુલ શારદાએ એ પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળ વર્ષ 2014 થી 2024 અને પૂર્વ પ્રધાન મંત્રી ડૉ. મનમોહનસિંહના કાર્યકાળ વર્ષ 2004 થી 2013 ના દિવાળી ઉત્સવ માટેના ખર્ચ વિશે માહિતી માંગી હતી.
પ્રધાનમંત્રીના અંગત ખર્ચ માટે કોઈ નાણાં લેતું નથી
3 જાન્યુઆરીના રોજ મળેલા જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલય એ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રધાનમંત્રીના અંગત ખર્ચ પર જાહેર નાણાંનો ખર્ચ કરવામાં આવ્યો નથી. પીએમઓના અન્ડર સેક્રેટરી અને સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર (CPIO) પરવેશ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રીનો વ્યક્તિગત ખર્ચ સરકારી ખાતામાંથી ઉપાડવામાં આવતો નથી. પ્રધાનમંત્રી કાર્યાલય પ્રધાનમંત્રીના અંગત ખર્ચ માટે કોઈ નાણાં લેતું નથી.
સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગનું એક ઉદાહરણ : પ્રફુલ્લ શારદા
આ આરટીઆઇ અંગે ” મુંબઇ સમાચાર” સાથે વાતચીત કરતાં પ્રફુલ શારદાએ જણાવ્યું હતું કે ” આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને વર્તમાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે વ્યકિતગત ખર્ચ દેશના કરદાતાઓ પર બોજ ન બનવો જોઇએ. તેમજ પીએમ મોદીની આ પહેલને મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરે અનુસરવું જોઇએ. જેનાથી લોકોમાં તેમના પ્રત્યે એક સન્માનની ભાવના જોવા મળશે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને પીએમ મોદીએ સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગનું એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
ઉલ્લેખનીય છે. આ આરટીઆઈનો જવાબ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને લીક થયેલા કેગ રિપોર્ટે કેજરીવાલ સરકાર પર દબાણ વધાર્યું છે.