Delhi Election Result 2025: દિલ્હીની માત્ર એક સીટ પર કૉંગ્રેસ છે આગળ, જાણો કોણ છે ઉમેદવાર
![](/wp-content/uploads/2025/02/delhi-election-results-2025-congress-lead-on-1-seat-know-who-is-candidate.jpeg)
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 48 બેઠક, આપ 21 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. વલણ પરથી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ ગયું છે. વલણની શરૂઆતથી જ કૉંગ્રેસ બાદલી સીટ પર આગળ ચાલી રહ્યું છે. દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે લીડ લીધી છે. તેઓ કૉંગ્રેસના સીનિયર નેતા છે અને ઘણા રાજ્યોમાં પ્રભારી રહી ચૂક્યા છે. દેવેન્દ્ર યાદવ દિલ્હીના ભલસ્વા ગામના રહેવાસી છે અને આ પહેલા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
દિલ્હીથી આખો દેશ 60 વર્ષ સુધી ચલાવનારી કૉંગ્રેસ આજે આવી રહેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ક્યાંય દેખાતી નથી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિતે દિલ્હી પર કૉંગ્રેસના શાસનની બાગડોર સંભાળી છે. કેન્દ્રમાં અને દિલ્હીમાં એક જ પક્ષની સરકાર હોવાથી બન્નેને ઘણો ફાયદો થયો છે, પરંતુ 2014 બાદ કૉંગ્રેસ દિલ્હીમાં પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહી છે. કેન્દ્રમાં અને રાજ્યોમાં સતત હારતી કૉંગ્રેસે ફરી માત્ર કારમી હાર નહીં પણ નાલેશીભરી સ્થિતિમાં મૂકાવું પડશે તેમ સ્પષ્ટ જણાય છે.
Also read: દિલ્હીની મહિલાઓ કોના પર મહેરબાનઃ પહેલીવાર પુરુષો કરતા વધારે કર્યું છે મતદાન
દિલ્હીમાં કેટલું થયું હતું મતદાન
ચૂંટણી પંચ અનુસાર દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં (exit poll) ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના (AAP) કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.