Delhi Election : ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યું, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર સહિત કર્યા અનેક વાયદા

નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે વાયદાઓ કરી રહ્યા છે. જેમાં આજે ભાજપે પણ વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. ભાજપે સંકલ્પ પત્રને ત્રણ ભાગમાં જાહેર કરવાની રણનીતિ બનાવી છે. ભાજપના સંકલ્પપત્રને જાહેર કરતાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપ જે વાયદા કરે છે તે પૂર્ણ કરે છે. તેમજ પ્રધાનમંત્રી મોદીએ ભારતની રાજકીય સંસ્કૃતિને બદલી નાંખી છે. જે હવે સંકલ્પપત્રમાં પરિવર્તિત થઇ છે.
મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 2500 રૂપિયા પ્રતિ માસ
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંકલ્પપત્ર રજૂ કરતાં પૂર્વે અને તમામ વર્ગના લોકોનો સંપર્ક કર્યો હતો. જેમાં અમને અલગ અલગ 1 લાખ 80 હજાર સૂચનો મળ્યા હતા. તેમજ 12 હજાર લોકોનો સંપર્ક કર્યો હતો. જેમાં પ્રથમ મહિલા સન્માન યોજના અંગે વાત કરું, લોકો પાસેથી 1,08,000 પ્રતિભાવ મળ્યા હતા. તેમજ દિલ્હીની મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 2500 રૂપિયા પ્રતિ માસ આપવાનો ઠરાવ પ્રથમ કેબિનેટમાં મંજૂર કરવામાં આવશે.
એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે
તેમજ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમજ હોળી અને દિવાળીના તહેવારોમાં 1-1 સિલેન્ડર એકસ્ટ્રા મળશે. આ ઉપરાંત માતૃત્વ સુરક્ષા યોજના હેઠળ 21,000 રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત 6 ન્યૂટ્રિશીયસ કીટ અલગથી આપવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા સુધીનું પેન્શન
આ ઉપરાંત ભાજપે 5 લાખ રૂપિયા સુધીનો વધારાનો આરોગ્ય વીમો આપવામાં આવશે. દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવશે.તેમજ અટલ કેન્ટીન યોજના શરૂ કરશે. ગરીબોને ઝૂંપડપટ્ટીમાં પાંચ રૂપિયામાં રેશન કાર્ડનું અનાજ આપવામાં આવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે.
આ પણ વાંચો…NCP SP પાર્ટીનો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો! આ શહેરમાં ઓફીસ ખાલી કરાવવામાં આવી
વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ
ઉલ્લેખનીય છે કે, 5 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે
છેલ્લો દિવસ પણ છે. ભાજપે દિલ્હીની 70 માંથી 68 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે તેના સાથી પક્ષો – જનતા દળ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) માટે બે બેઠકો, બુરારી અને દેવલી છોડી છે.