નેશનલ

દિલ્હીનાં ખરાબ વાતાવરણના કારણે PM મોદીનાં વિમાનને ગ્વાલિયર રોકવું પડ્યું…

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ધૂળની આંધી જોવા મળી હતી અને તેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટને પણ વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, તેમનું વિમાન પરત ફરતી વખતે લગભગ દોઢ કલાક માટે ગ્વાલિયર એરપોર્ટ પર રોકાયું હતું.

PTI

દોઢ કલાક રોકાયું વિમાન
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય પ્રદેશનાં આનંદપુર ધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન દિલ્હીમાં ખરાબ હવામાનના સમાચાર મળ્યા હતા અને આ પછી તેમનું વિમાન દોઢ કલાક સુધી ત્યાં રહ્યું. તેમણે એરફોર્સ સ્ટેશન પર જ દોઢ કલાક વિતાવ્યો હતો.

7:30 વાગ્યે દિલ્હી માટે રવાના
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અશોકનગર જિલ્લાના આનંદપુર ધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, તેમનું વિમાન સાંજે 6:00 વાગ્યે ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યું હતું. પરંતુ, ખરાબ હવામાનને કારણે તે ઉડાન ભરી શક્યું નહોતું. ત્યારબાદ, વડા પ્રધાનને લઈ જતું વિમાન સાંજે 6:00 વાગ્યાને બદલે 7:30 વાગ્યે દિલ્હી માટે રવાના થયું હતું.

દિલ્હીમાં ડહોળાયું વાતાવરણ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળની આંધી આવવાની સંભાવના છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે અમુક સ્થળોએ આ ગતિ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આપણ વાંચો : વારાણસી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ વડાપ્રધાને અધિકારીઓ પાસે ગેંગ રેપ કેસની માહિતી માંગી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button