દિલ્હીના મુખ્યપ્રધાનના ઘરે પહોંચી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ, કેજરીવાલ પર MLA હોર્સ ટ્રેડિંગનો આરોપ
નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપના સંદર્ભમાં ક્રાઈમ બ્રાન્ચના ACP કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના છે. આ અંગે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ તેના ધારાસભ્યોને ખરીદવા માટે કરોડોની ઓફર કરી રહી છે. ભાજપ આ માટે 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે અને આ માટે AAPના 7 ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. વધુમાં તેને કહ્યું હતું કે સમય આવ્યે તે ઓડિયો ક્લિપ પણ જાહેર કરશે. જો કે, સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમને પણ નોટિસ ફટકારી શકે છે.
દિલ્હી બીજેપી સેક્રેટરી હરીશ ખુરાનાએ આતિશીને પડકાર ફેંક્યો છે કે તે ધારાસભ્યોના નામ જાહેર કરે જેમનો ભાજપે સંપર્ક કર્યો હતો. ભાજપનું કહેવું છે કે હકીકતમાં, AAP પાર્ટી આવા વાહિયાત આરોપો કરીને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
જો કે, સૂત્રો તરફથી તેવા પણ સમાચાર બહાર આવી રહ્યા છે કે દિલ્હી પોલીસ કોઈ સૂચના આપ્યા વિના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનમાંથી નીકળી ગઈ હતી. સીએમ ઓફિસના અધિકારીઓ નોટિસ લેવા તૈયાર હતા. પરંતુ પોલીસ અધિકારીઓ કોઈ સૂચના આપ્યા વિના જ ચાલ્યા ગયા હતા.
આપને જણાવી દઈએ કે લીકર કૌભાંડ મામલે ED એ પણ કેજરીવાલને પાંચમી વાર સમન્સ પાઠવ્યું છે. જેને લઈને કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી કે તે દરેક કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છે પરંતુ અગાઉના સમન્સની જેમ આ પણ ગેરકાનૂની છે.