
નવી દિલ્હી: દેશની સરહદ પર કડક દેખરેખ હોવા છતાં હથિયારોની તસ્કરી થતી રહે છે. તાજેતરમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ હથિયારો ક્યાંથી આવ્યા હતા અને તે કોને સપ્લાય થવાના હતા, આવો જાણીએ.
ચાર તસ્કરોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી પહોંચવાના છે. જેને લઈને ક્રાઇમ બ્રાંચે રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હથિયારો લઈને આવતા તસ્કરો ફસાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં આધુનિક હથિયારો જપ્ત કર્યો હતા. જેમાં તુર્કિયે અને ચીનમાં બનેલા હાઈ-ટેક હથિયારોનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પંજાબ અને યુપીના રહેવાસી છે.
દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે આ હથિયારોનું કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને તસ્કરોની ગેંગ દિલ્હીમાં સપ્લાઈ કરવાની હતી. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બમબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી પહોંચવાના હતા.
આ પણ વાંચો…બુદ્ધિશાળી જ્યારે આતંકી બને છે તો વધુ ખતરનાક હોય છે: સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસની દલીલ



