
દિલ્હીના nrકર પોલિસી કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શનિવારે એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી છે અને તેમને જામીન આપ્યા છે. કેજરીવાલને 15,000 રૂપિયાના જામીન બોન્ડ અને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા હતા.અરવિંદ કેજરીવાલ તરફથી બે વકીલ રમેશ ગુપ્તા અને રાજીવ મોહન હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે કેજરીવાલને લીકર પોલિસી કેસમાં ઇડી વતી હાજર થવા માટે આઠ વાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વખત હાજર થયા ન હતા. આ મામલો હવે કોર્ટમાં છે.
આ પહેલા શુક્રવારે, કોર્ટે કેજરીવાલની ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટની કાર્યવાહી પર સ્ટે માંગતી અરજી ફગાવી દીધી હતી, જેને કારણે તેમણે આજે કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. અરવિંદ કેજરીવાલની હાજરીને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે કોર્ટની આસપાસના ઘણા માર્ગો ડાયવર્ટ કર્યા હતા. આ સાથે ટ્રાફિક પોલીસે તે માર્ગો પર આવતા લોકોને સમયસર પહોંચવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે દિલ્હી લીકર પોલિસી કેસની તપાસનો રેલો છેક તેલંગાણાના પુર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી કે. કવિતા સુધી નીકળ્યો છે. આ કેસમાં ઇડી દ્વારા ગઇકાલે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ કવિતાને દિલ્હી લાવી છે જેથી તેની વિગતવાર પૂછપરછ કરી શકાય. એક તરફ, જ્યાં કવિતાની મુશ્કેલીઓ વધતી જણાય છે, ત્યાં આ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને થોડી રાહત મળી છે.